Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડોદરાના ખટંબા ગામમાં યુવકે માનસિક તણાવમાં આવી જઇ માતા અને બહેન પર જીવલેણ હૂમલો કરતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

આર્થિક સંકડામણથી ફોરેન્‍સીક સાયન્‍સના વિદ્યાર્થીએ બહેનને ઉપરાઉપરી ચપ્‍પુના ઘા મારી ઇજાગ્રસ્‍ત કરતા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ

વડોદરાઃ વડોદરાના ખટંબા ગામના ક્રિષ્‍ણા વિલા સોસાયટીમાં રહેતા એક યુવકે માતા અને બહેન પર જીવલેણ હૂમલો કરી ઉપરાઉપરી ચાકુના ઘા મારી બહેનને ઇજા પહોંચાડી હતી. ફોરેન્‍સીક સાયન્‍સમાં અભ્‍યાસ કરતા યુવકની આર્થિક સ્‍થિતિ સારી ન હોવાથી તણાવ આવી જઇ આ પગલુ ભરતા સોશ્‍યલ મીીડયામાં આ ઘટના વાયરલ થતા ફરિયાદ બાદ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી એવા બનાવો બની રહ્યાં છે, જેમાં સંસ્કારી નગરીનું નામ લજવાઈ રહ્યું છે. આ શહેરમાં હવે સંસ્કારો ખૂટી પડ્યા છે. માતા દીકરી પર તો ભાઈ બહેન પર હુમલો કરવાના હિંસક બનાવો બની રહ્યાં છે. વડોદરાના ખટંબા ગામમાં યુવકે પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હતો. જાહેરમાં યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પાના ઘા માર્યા. બે દિવસ પહેલા યુવકે કરેલા હુમલાનો વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ ક્રિષ્ણા વિલામાં રહેતા અને ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હતું. યુવક જ્યારે પોતાની બહેન પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તે દીકરી બુમો પાડીને પોતાની માતાને બોલાવી રહી રહી હતી. આસપાસમાં ઉભા રહેલા લોકો પણ માત્ર બૂમો જ પાડી રહ્યા હતા. પરંતું કોઈ પણ વ્યક્તિએ વચ્ચે પડીને યુવક પાસેથી યુવતીને છોડાવી ન હતી. દર્દમાં કણસતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાયુ કે, ભાઈ જ્યારે પોતાની બહેન પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તે હેવાનની જેમ વર્તી રહ્યો હતો. તેને ભાન ન હતુ કે તે શુ કરી રહ્યો છે. તે કોઈ રાક્ષસની જેમ બહેન પર ચાકૂના ઘા મારી રહ્યો હતો.

આ મામલે માતાએ વરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપી દીકરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવક માનસિક તણાવમાં હતો, તેથી તેણે બહેન અને માતા પર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા 20 જૂનના દિવસે આ ઘટના બની હતી. જેનો પુરાવો આપતો વીડિયો સામે આવ્યો છે.

(5:26 pm IST)