Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ ઝડપે જતી કારને નડેલ ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ : અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર મરીડા ગામની સીમમાં પુરપાટ ઝડપે જતી એક કારના ચાલકે આગળ જતાં વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. જેથી ગાડીના ચાલક અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં દરિયાપુર વિસ્તાર ખાતે મહંમદઆરીફ એહમદ મિયા શેખ (ઉમર વર્ષ ૪૧) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના મોટાભાઈ મુસ્તાકભાઈનો દીકરો ફાઈમ ભાઈ (ઉંમર વર્ષ ૨૭) પોતાની કાર લઇ વડોદરાથી રાત્રિના સમયે અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતો હતો. દરમિયાન નડિયાદ નજીક મરીડા ગામની સીમમાં ફાઈમે પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી આગળ જતા અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. બંને વાહન વચ્ચેની આ અથડામણમાં ફાઈમભાઈની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ફઈમ ભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ થતાં હાઈવે એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:28 pm IST)