Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સુરતમાં રિક્ષામાં અચાનક જ બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી : રિક્ષામાંથી દારૂની બોટલ નિકળતા પોલીસ ચોંકી

આગ પર કાબુ મેળવ્યા બાદ રિક્ષાની તપાસ કરતાં દારૂ મળ્યો : ફરાર રિક્ષા ચાલકની પોલીસે શોધખોળ આદરી

સુરતમાં એક ઓટો રિક્ષામાં આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવ્યા બાદ રિક્ષાની તપાસ કરતાં દારૂ મળી આવ્યો હતો. જે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટનાને પગલે રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. જે મામલો પોલીસે તપાસ આદરી છે.

મળતી માહિતી મુજબ સુરત હિરાબાગ એકે રોડ પર એક ઓટો રિક્ષામાં આગ ભડકી ઉઠી હતી. રિક્ષાના પાછળના ભાગેથી દારૂની બોટલો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ચાલુ રિક્ષામાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી. જેને લીધે રોડ પર અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરની ટીમ તેમજ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ પર કાબુ મેળવ્યા બાદ રિક્ષાની તપાસ કરવામાં આવતા દારૂની બોટલ ભરેલા બોક્ષ મળી આવ્યા હતા. રિક્ષામાં દારૂની પેટીઓ જોતા પોલીસ ચોંકી ગઈ હતી અને ફરાર રિક્ષા ચાલકની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષાની તપાસ કરતા પાછળ ડીકીમાંથી દારૂની બોટલો નિકળી હતી. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થયા હતા. આ સાથે જ રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. આ દારૂ ક્યાં લઇ જવાતો હતો, કોના કહેવાથી લઇ જવાતો હતો એ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે. રિક્ષા ચાલકની શોધખોળ બાદ જ સાચી હકીકત બહાર આવી શકે છે. મુસાફર ભરવાની ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. રિક્ષામાં આગ લાગવાથી દારૂની પોલ ખુલી પડી હતી.

(7:16 pm IST)