Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

હારાષ્ટ્રની સ્થિર સરકારને અસ્થિર કરવાનું કામ ભાજપે કર્યું : મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે જગદીશ ઠાકોરનું નિવેદન

દેશમાં પ્રજાના મતોથી ચૂંટાયેલી સરકારો અને ધારાસભ્યોને કેદ કરીને ઉઠાવી જવાના આ કયુ રાજકારણ છે ?કઇ લોકશાહી છે? આ દેશનાં લોકો સવાલ પૂછી રહ્યા છે.

અમદાવાદ : શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 40 જેટલા ધારાસભ્ય સુરતમાં ડુમસ રોડ પર આવેલી લી મેરિડિયન હોટલમાં રોકાયા હતા. ગતરોજ સવારથી ચાલુ થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો  વહેલી સવારે 3.40 કલાકે અંત આવ્યો હતો. તમામ બાગી નેતાઓને સુરતથી સ્પેશિયલ પ્લેન મારફતે ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપ પર આકરા પ્રહાર થઇ રહ્યા છે.મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ અંગે જગદીશ ઠાકોર નિવેદન આપ્યુ હતુ.ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રની સ્થિર સરકારને અસ્થિર કરવાનું કામ ભાજપે કર્યું છે. મહારાષ્ટ્રના ધારાસભ્યોને કેદી બનાવી સુરત લવાયા આ કયુ રાજકારણ છે?

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લેતા આકરા પ્રહાર કર્યા હતા અને મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે એક સ્થિર સરકાર જે મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. તેના ધારાસભ્યોને ઉઠાવી જવા, જેને કેદ કરીને સુરત રાખવા શું કરવા માંગો છો? દેશની લોકશાહીને ખતમ કરીને તમે શું કરવા માંગો છો ? દેશમાં પ્રજાના મતોથી ચૂંટાયેલી સરકારો અને ધારાસભ્યોને કેદ કરીને ઉઠાવી જવાના આ કયુ રાજકારણ છે ?કઇ લોકશાહી છે? આ દેશનાં લોકો સવાલ પૂછી રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બિન ભાજપી સરકારને ઘર ભેગી કરવા માટે ભાજપ દ્વારા ઓપરેશન ઘણી જ ગુપ્તતાથી અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. સોમવારે મોડી રાત્રે સરકારથી નારાજ થયેલા બળવાખોર મંત્રી સહિત 30થી વધુ ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર શિવસેના અને અપક્ષ ધારાસભ્યો સુરત આવવાનું શરૂ થયું હતું. મંગળવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના ધારાસભ્યોને એર લિફ્ટ કરી ગુવાહાટી લઈ જવાયા ત્યારે આ ધારાસભ્યની સંખ્યા 35થી વધી ગઈ હતી. જે શિવસેના સરકારના ઊભા બે ભાગ દર્શાવે છે. આ તડજોડની રાજનીતિમાં 24 કલાક બળવાખોરોને સાચવીને સુરતે દેશના રાજકીય ક્ષેત્રમાં પોતાનું મહત્વ સાબિત કરી બતાવ્યું છે. આમ સુરતે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ મચાવી હોવાથી હીરા અને કાપડ નગરીનો રાજકીય દબદબો ન માત્ર ગુજરાત પણ દેશમાં પણ વધતો જોવા મળી રહ્યો છે.

(7:40 pm IST)