Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

દેશ-વિદેશમાંથી ફોરેન્સિક યુનિ.ના કેમ્પર્સ કરવાની માંગણીનો પ્રવાહ વહી રહયો છે

વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય લેવલનો દરજ્જો મળે તેવા વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં મૂળ સૌરાષ્ટ્રના આ ટોચના અધિકારીનો સિંહ ફાળો છે : ગુજરાતનું વિશ્વભરમાં કઇ-કઇ રીતે ગૌરવ વધશે? તેની રસપ્રદ માહિતી અકિલા સમક્ષ વર્ણવે છે ગાંધીનગર સ્થિત વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સિઝ યુનિ.ના ડાયરેકટર જનરલ જે.એમ.વ્યાસ

વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિ.ની ગાંધીનગર સ્થિત ઇમારત તથા ગુજરાતના ગૌરવ સમી યુનિ.ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત સમયની તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા યુનિ.ના ડાયરેકટર જનરલ જે.એમ.વ્યાસ મહત્વની ચર્ચા કરતા દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ, તા., ૨૨: ગાંધીનગર સ્થિત વિશ્વની પ્રથમ ફોરેન્સીક સાયન્સિઝ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીનો દરજ્જો મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઇનું સ્વપ્ન સાકાર થયું છે, આ સ્વપ્ન સાકાર કરવામાં મૂળ સૌરાષ્ટ્રના જુનાગઢના વતની અને રાજકોટના જમાઇ એવા ફોરેન્સીક યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ જે.એમ.વ્યાસની ભૂમિકા ખુબ જ મહત્વની રહી છે. ત્યારે ચાલો આપણેે સ્ટેટ લેવલના બદલે નેશનલ લેવલની અર્થાત રાષ્ટ્રીય કક્ષાની ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી બનતા શું શું લાભો ગુજરાતને મળશે ? તે અંગે ફોરેન્સિક યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ જે.એમ.વ્યાસ પાસેથી જાણીએ.

અકિલા સાથેની વાતચીતમાં વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીના વડા જે.એમ.વ્યાસે જણાવેલ કે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા દેશ-દુનિયામાં આ યુનિવર્સિટીને વિશેષ દરજ્જો મળશે.

દેશના વિવિધ રાજયોમાં આ યુનિવર્સિટીના માર્ગદર્શનમાં યુનિવર્સિટીઓ પ્રારંભ કરવા માટે અત્યારથી જ મોટી ડીમાન્ડ છે.

ત્રિપુરા જેવા રાજય દ્વારા અગાઉથી જ માંગણી કરવામાં આવી છે. આ યુનિવર્સિટીને ૧૦૦ ટકા ગ્રાન્ટ હવે મળશે.

પ્રિવેન્સન ઓફ ક્રાઇમ, સ્પીડી ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને લગતા અનેક કાર્યો ખુબ ઝડપથી થશે.

તેઓએ ગૌરવપૂર્વક અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ નિર્ણય દેશ અને દુનિયા માટે ખુબ જ મહત્વનો પુરવાર થશે. તેઓએ જણાવેલ કે અમારી યુનિવર્સિટી સાથે ઘણા દેશોએ એમઓયુ કર્યા છે. યુનિવર્સિટી દ્વારા વિવિધ દેશો અને રાજયોમાં ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં મદદ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશ, મ્યાનમારા, ઝીમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા જેવા દેશો યુનિવર્સિટી કેમ્પસ સ્થાપવાની દરખાસ્ત સાથે કતારમાં છે. તેઓએ જણાવેલ કે આનો સમગ્ર શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ, તત્કાલીન ગૃહમંત્રી અમીતભાઇ શાહ, હાલના  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નીતીનભાઇ તથા પ્રદીપસિંહ જાડેજા વિગેરેને જાય છે.

(12:08 pm IST)