Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ડીગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર : વિદ્યાર્થીઓને ઉપયોગી પુસ્તિકાનું વિમોચન

ઇજનેરી અભ્યાસક્રમોમાં ગયા વર્ષ કરતા આ વર્ષે પર૯૩ વિદ્યાર્થીઓની વધુ નોંધણી

ગુજરાત સરકાર દ્વારા ઇજનેરી ક્ષેત્રના વિદ્યાર્થીઓને ઉપયોગી પુસ્તિકાનું જીતુ વાઘાણીના હસ્તે વિમોચન કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે કુબેર ડીંડોર એસ.બે. હૈદર, જી.ટી. પંડયા, રાજુલ ગજ્જર વગેરે ઉપસ્થિત છે.

રાજકોટ, તા. રર :  શિક્ષણ વિભાગ ગુજરાત રાજય સરકાર હેઠળની ટેકનીકલ શિક્ષણ હસ્તકની એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોના પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ગઇકાલે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજય કક્ષાના શિક્ષણમંત્રી (ઉચ્ચ અને ટેકનીકલ) કુબેરભાઇ ડીંડોરના હસ્તે રાજયના ટેકનીકલ શિક્ષણમાં પ્રવેશ ઇચ્છુક તમામ વિદ્યાર્થીઓને ઉપયોગ માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવેલ. ઉકત વિમોચનમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ.જે. હૈદર, નિયામ ટેકનીકલ શિક્ષણ જી.ટી. પંડયા, સભ્ય સચિવ પ્રવેશ સમિતિ ડો. રાજુલ ગજ્જર અને અન્ય પ્રવેશ સમિતિના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ-ર૦ર૧માં પ્રથમ વખત શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની  પુસ્તિકા રાજયના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ શકે તે રીતે સંકલિત કરીને વિદ્યાર્થીઓનાં માટે મુકવામાં આવેલ છે. જેમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોના તમામ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી, રાજયની તમામ ઇજનેરી સંસ્થાઓની બેઠકો, સંસ્થાઓની લેબોરેટરી અને અન્ય સંસાધનોની વિગતો, વિવિધ એકડીએશન તથા સંસ્થાની ટેકનીકલ ઇનોવેશન કાર્યક્રમોની માહિતી, હોસ્ટેલ તથા પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપની વિગતો ઉપરાંત વિવિધ બ્રાન્ચની તલસ્પર્શી માહિતી આપવામાં આવેલ છે.

રીવ્યુમાં રાજયની પ્રવેશ કાર્યવાહીમાં આ વર્ષથી રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એજયુકેશન પોલોસીનાં અમલવારીના ભાગરૂપે અને એઆઇસીટીઇ દ્વારા નિર્દિષ્ટ ઇજનેરીની પ્રવેશ લાયકાતમાં આ વર્ષે ફેરફાર કરાયેલ તેની અસરો ચકાસવામાં આવેલ. જેમાં ઇજનેરી અભ્યાસક્રમોમાં આ વર્ષે પ્રવેશ પરીક્ષા આપેલ હોય તેવા ૩૬ર૧૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ. જે ગત વર્ષના ૩૦૯ર૩ રજીસ્ટ્રેશનની સાપેક્ષે નોંધપાત્ર રીતે વધારે હતું. જેમાં આ વર્ષે રાજય સરકાર દ્વારા નેશનલ એજયુકેશન પોલીસીના અમલીકરણનાં ભાગરૂપે દેશમાં  અગ્રેસર રહી અને તમામ પાસા ચકાસીને પ્રથમ વખત ગણિત વિષયના સ્થાને બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓને ઇજેનેરીના ૧પ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક ગણેલ છે. જે અન્વયે આવા બાયોલોજી ગ્રૃપના ૧૩૯પ વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લીધેલ છે.

આજે તા. રર નાં રોજ ડીગ્રી ઇજનેરી અભ્યાસક્રમનું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણમંત્રીના જણાવ્યા અન્વયે આવનાર સમયમાં તમામ સંસ્થાઓની માહિતી સાથેની આ પુસ્તિકા વાલી તથા વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થશે. તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તિકા ઇ-બુકલેટ તરીકે પ્રાપ્ત થાય તે માટેના જરૂરી સુચનો આપવામાં આવેલ. આ ૩પ૦ થી વધારે પેજની માહિતી પુસ્તિકાની ઇ-કોપી પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. કયા વિદ્યાર્થીને કઇ ઇજનેરી કોલેજમાં પ્રવેશ મળવાપાત્ર છે તે આજે જાહેર થયું છે.

(3:10 pm IST)