Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

અમદાવાદ : નવરાત્રિએ ભાષા-પ્રદેશના વાડા તોડયાઃ ગરબા શીખવામાં ૨૦ ટકા બિનગુજરાતી

અમદાવાદમાં ૧૫૦ કરતાં વધુ ગરબા ક્‍લાસ, નવા ફિલ્‍મી સ્‍ટેપ્‍સનો આગ્રહ વધ્‍યો : ૧૦ હજારથી વધુ એક લાખના બજેટ : કોરોના પછીની પહેલી નવરાત્રિઃ ખેલૈયામાં પુષ્‍પા, RRRના સ્‍ટેપ્‍સ લોકપ્રિય

અમદાવાદ,તા. ૨૨ : મા અંબાની આરાધના સાથે ગરબે ઘૂમવાનો રૂડો અવસર એટલે નવરાત્રિ. નવરાત્રિ પાછળ અમદાવાદીઓ કેટલા ઘેલા છે તે વાતો તો જગજાહેર છે. ગમે તેટલા વ્‍યસ્‍ત હોય ઘરના કામ હોય પણ તેને પડતું મૂકીને ગરબા રમવા નીકળી પડે તે જ સાચો અમદાવાદી. નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ ખૈલાયાઓમાં અનેરો ઉત્‍સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં આવેલા બિનગુજરાતીઓને પણ ગરબાનો ચસ્‍કો લાગ્‍યો છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ગરબા ક્‍લાસો હવે પૂર્ણતાને આરે છે. ત્‍યારે આખરી સ્‍ટેપ શીખવવામાં આવી રહ્યા છે. આ વર્ષે પુષ્‍પા અને આરઆરઆર ફિલ્‍મના ડાન્‍સ સ્‍ટેપનો ક્રેઝ વધી ગયો છે. આ સ્‍ટેપ ગરબામાં પણ ધૂમ મચાવશે. શહેરમાં અંદાજે ૧૫૦થી વધુ ગરબા ક્‍લાસોમાં હજારો લોકો ગરબાના નીતનવા સ્‍ટેપ્‍સ શીખી રહ્યા છે. બે વર્ષ બાદ નવરાત્રીમાં છૂટછાટ મળતા લોકોમાં અનેરો ઉત્‍સાહ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચણિયાચોળી, કેડિયા સહિતના આભૂષણોમાં ૨૦થછ ૨૫ ટકાનો વધારો ઝીંકાયો છે તેમ છતાં લોકોની બજારમાં ખરીદી કરવા ભીડ દેખાઈ રહી છે. ગરબા ક્‍લાસ ચલાવતા એક કોરિયોગ્રાફરે જણાવ્‍યું હતું કે, આ વર્ષે પુષ્‍પા સ્‍ટાઇલના ગરબા નવું જ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. ગરબા ક્‍લાસમાં ૨૦ ટકા જેટલાં બિનગુજરાતીઓ ગરબા શીખી રહ્યા છે. અમારા જ ગરબા ક્‍લાસિસમાં બે મહિના પહેલાંથી જ ૨૦૦થી વધુ લોકો રોજ ૩ કલાકથી વધુ ગરબાની પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. નવરાત્રિમાં ગરબા ઝુમવા પાછળ એક અંદાજ મુજબ તેઓ ૧૦ હજારથી લઈને એક લાખ સુધીનું નવરાત્રિનું બજેટ ફાળવે છે.

 ગરબા ક્‍લાસમાં યુવક યુવિતઓનો ઉત્‍સાહ વધારતાં મોટી ઉંમરની મહિલાઓ પણ જોવા મળી રહી છે. ૧૬ વર્ષથી સતત ગરબા ક્‍લાસમાં ગરબા શીખીને નવરાત્રિમાં ધૂમ મચાવતી મહિલાઓ યુવાઓના મનોબળને મજબૂત કરી રહ્યા છે. તેમજ યુવાઓનો ઉત્‍સાહ વધારીને ગરબાનો જોશ ભરી રહ્યા છે.

નવ દિવસ અલગ અલગ ચણિયાચોળી પહેરીને ગરબા રમવા જવાનો મહિલાઓ અને યુવતીઓમાં અનેરો ક્રેઝ હોય છે. જોકે આટલી બધી ચણિયાચોળી લેવા જાય તો બજેટ ખોરવાઈ જાય છે. જેના કારણે મોંઘી ચણિયાચોળી પહેરવા માટે ભાડેથી લાવીને પહેરે છે. આમ ખર્ચો પણ ઓછો અને ફેશનની ફેશન થઈ જાય છે. બજારોમાં ચણીયાચોળી, કેડિયા સહિત આભૂષણો પર ૨૦થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. કપડા સહિત રો-મટીરીયલ્‍સના ભાવમાં વધારો થતાં તેની અસર બજારમાં દેખાઈ રહી છે.

(10:13 am IST)