Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગુજરાતમાં ૯૮.૩૮% વાવણી : સૌરાષ્‍ટ્રમાં કપાસ,મગફળી પછી સાયોબીન ત્રીજા ક્રમે

રાજ્‍યમાં ગયા વર્ષે કરતા ૧,૦૭,૬૧૦ હેકટરમાં વધુ વાવેતર : દીવેલાનું વાવેતર વધ્‍યુ : શાકભાજીનું ૯૯.૭૩ ટકા વાવેતર : રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૨,૪૨,૭૦૦ હેકટરમાં મગફળીનું અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૪,૦૫,૬૦૦ હેકટરમાં કપાસનું વાવેતર

રાજકોટ,તા. ૨૨: ગુજરાતમાં ચોમાસુ ઋતુના ખરીફ પાક વાવણીની કામગીરી લગભગ પુરી થઇ ગઇ છે. રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં કુલ ૯૮.૩૮ ટકા  વિસ્‍તારમાં વાવણી થઇ છે. ગયા વર્ષની તા. ૧૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૮૩,૮૪,૧૮૯ હેકટરમાં વાવેતર થયેલ આ વર્ષે આ તારીખ સુધીમાં ૮૪,૯૧,૭૯૯ હેકટરમાં વાવેતર થયું છે.
રાજ્‍યમાં આ વખતે સૌથી ૨૫,૪૮,૯૨૭ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. તે ટકાવારી દ્રષ્‍ટિએ ૧૦૬ ટકા જેટલુ થાય છે.  ગયા વર્ષ કરતા ૩ લાખ હેકટર જેટલી જગ્‍યામાં કપાસનું વાવેતર થયું છે. વાવેતરમાં બીજા ક્રમે મગફળી છે. મગફળીનું વાવેતર આ વખતે ૨ લાખ હેકટર જેટલુ ઘટીને ૧૭,૦૯,૦૨૩ હેકટર થયું છે. ટકાવારીની દ્રષ્‍ટિએ ૯૨.૭૫ ટકા વાવેતર થાય છે. રાજ્‍યમાં ધાન્‍ય પાકોનું ૧૦૧.૮૮ ટકા, કઠોળ પાકોનું ૯૨.૭૬ ટકા, તેલીબિયા પાકોનું ૯૫.૯૧ ટકા વાવેતર થયું છે. શાકભાજી ૯૯.૭૩ ટકા અને ઘાસચારો ૮૯.૭૯ ટકા વિસ્‍તારમાં વાવવામાં આવ્‍યો છે. રાજ્‍યનું કુલ વાવેતર ૯૮.૩૮ ટકાએ પહોંચ્‍યુ છે.
સૌરાષ્‍ટ્રમાં મગફળીનું સૌથી વધુ ૨,૪૨,૭૦૦ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. કપાસમાં સુરેન્‍દ્રનગર જિલ્લો નંબર વન રહ્યો છે. આ જિલ્લામાં કપાસનું કુલ ૪,૦૫,૬૦૦ હેકટરમાં વાવેતર કરવામાં આવ્‍યું છે. મગફળી તૈયાર થવાની તૈયારીમાં છે. આગોતરી મગફળી બજારમાં આવી ગઇ છે. રાબેતા મુજબની મગફળી ઓકટોબર પ્રારંભથી બજારમાં દેખાવા લાગશે.

 

(11:32 am IST)