Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

૩ વર્ષમાં કુદરતી આફતો સામે ૫૦.૮૧ લાખ ખેડૂતોને રૂા. ૬૬૨૪ કરોડની સરકારી સહાય

ટેકાના ભાવે ૩ હજાર કરોડ રૂપિયાની ખેત ઉપજની ખરીદી : રાઘવજી પટેલ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૨ : વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્‍યશ્રી શશીકાંતભાઇ પંડયાએ ‘બનાસકાંઠા અને જામનગર જીલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકશાન સામે સહાય બાબતે ટૂંકી મુદતનો પ્રશ્‍ન પુછેલ હતો.' જેના પ્રત્‍યુતર આપતા મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્‍યુ કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્‍પને સાકાર કરવા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની રાજ્‍ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્‍થાન માટે સતત પ્રયત્‍નશીલ છે. રાજ્‍ય સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્‍યની જણસીઓની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઇની પુરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્‍ટિ, વાવાઝોડા, પુર જેવા સમયે ખેડૂતોને નુકશાન સામે વળતર પણ રાજ્‍ય સરકાર દ્વારા સમયસર પુરૂં પાડવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્‍યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી-જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકશાન સામે ૫૯.૮૧ લાખ ખેડૂતોને રૂા. ૬૬૨૪.૨૬ કરોડની સહાય ચુકવવામાં આવી છે. બનાસકાંઠા, જામનગર જીલ્લા સહીત રાજ્‍યમાં જે જે જીલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. તેના સર્વેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોના ખેતરોમાં જ્‍યાં જ્‍યાં પાણી ભરાયેલ છે તેવા વિસ્‍તારોના સર્વે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલ નુકશાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય લેવામાં આવશે.

 

(3:16 pm IST)