Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગુજરાતમાં બની મોહાલી જેવી શરમજનક ઘટના

વલસાડમાં રસોયાએ વિદ્યાર્થિનીઓના નાહતા વિડીયો ઉતાર્યાઃ ખળભળાટ

અમદાવાદ,તા.૨૨ :  હાલમાં જ પંજાબના મોહાલીની એક ગર્લ્‍સ હોસ્‍ટેલમાં છોકરીઓના MMS બનાવવાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્‍યો હતો. ત્‍યારે હવે ગુજરાતમાં પણ આ પ્રકારની નિંદનીય ઘટના સામે આવી રહી છે. વલસાડના ધરપુરમાં આવેલી કન્‍યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે હોસ્‍ટેલના રસોયાઓ તેમના નહાતા જોઈને ફોટો-વીડિયો બનાવે છે.

 વલસાડ જિલ્લાના ધરમપુર બારોલિયા ખાતે આવેલી કન્‍યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે, હોસ્‍ટેલમાં રસોઈયાઓ બાળકોને નાહતા જોવે છે અને ફોટા પાડે છે તથા વિડિઓ બનાવે છે. છોકરીઓ સામે અભદ્ર કોમેન્‍ટ પાસ કરે છે. બાળકોએ આ સાથે જ સ્‍કૂલમાં ખરાબ ગુણવત્તાનું ભોજન અપાતું હોવાની પણ ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે, જમવામાં ઘણી વાર ઈયળો નીકળે છે અને ફરિયાદ કરવામાં આવે તો સ્‍કૂલનું તંત્ર વિદ્યાર્થિનીઓના અવાજને દબાવી દે છે. આટલું જ નહીં બાળકોથી રૂમમાં ચાલતા પંખા ભૂલથી ચાલુ રહી જાય તો ૫ રૂપિયા દંડ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતા સ્‍કૂલોમાં મોટી સંખ્‍યામાં વાલીઓ પહોંચી ગયા હતા. પરિણામે સ્‍કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ એક અરજી લખી છે અને આ અરજીને પોલીસને આપવામાં આવી છે. વિદ્યાર્થિનીઓના વાલીઓએ સમગ્ર મામલે સ્‍કૂલના રસોયા તથા પ્રિન્‍સિપાલને પણ બદલવાની માગ કરી છે. આ સાથે જ તેમણે પોલીસને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. જો આમ ન થાય તો આગામી દિવસોમાં આંદોલનનો રસ્‍તો અપનાવવાની ચીમકી ઉચ્‍ચારી છે.

(3:41 pm IST)