Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રૂપાણી સરકારના ખાસ પ્રોજેકટોનું ભાવિ અધ્ધરતાલ

સરકાર બદલાતા જ રૂપાણી સરકાર વખતના પ્રોજેકટો જેમ કે હોર્ટીકલ્ચર માટે જમીન, ઇલે. વાહનો પર ઇન્સેન્ટીવ, રાજકોટ - અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ, ટોય પાર્ક વગેરે અભેરાઇએ ચડી ગયા : કેટલાક પ્રોજેકટો હોલ્ડ ઉપર તો કેટલાક પ્રોજેકટો પડતા મૂકવા નિર્ણય : મુખ્યમંત્રી પટેલ કેટલાક પ્રોજેકટો પર ફેરવિચારણા કરશે : ટાઇમ્સનો અહેવાલ

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કેટલાક ડ્રીમ પ્રોજેકટો અને મહત્વની યોજનાઓનું ભાવિ અધ્ધરતાલ થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. વિજય રૂપાણીએ જાહેર કરેલા તમામ મહત્વના પ્રોજેકટો અને યોજનાઓ હાલ થંભાવી દેવાયા છે એટલું જ નહિ કેટલાક પ્રોજેકટો તો પડતા મુકવામાં આવ્યા છે.

રાજકરણમાં એક નિયમ અફર છે જયાં સુધી ખુરશી છે ત્યાં સુધી જ તમે પાંચમાં પુછાવ છો. એકવાર સત્તા હાથમાંથી જતા રહ્યા પછી ન તો તમને કોઈ પૂછે છે ન તો તમારા દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેકટ્સનું અસ્તિત્વ રહે છે. આવું જ કંઈક હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા શરુ કરવામાં આવેલી યોજનાઓ અને પ્રોજેકટ્સ જે તેમના બ્રેઇન ચાઈલ્ડ કહેવાતા હતા હવે એક પછી એક અભેરાઈ પર ચડી રહ્યા છે. ગુજરતમાં દોઢ મહિના પહેલા અસ્તિત્વમાં આવેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીવાળી સરકારમાં આ તમામ પ્રોજેકટ્સને ફાઈનલ મંજૂરી પર વણકહ્યું પૂર્ણવિરામ લાગી ગયું હોય તેવી સ્થિતિ છે. કેટલાક પ્રોજેકટ્સને હોલ્ડ પર મૂકવામાં આવ્યા છે જયારે કેટલાક પ્રોજેકટ્સને તો પડતા મૂકવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

આ મામલે પૂરતી જાણકારી રાખનારા સરકારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર 'નવી રાજય સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા શરું કરવામાં આવેલી યોજનાઓ અને પ્રોજેકટ્સ પર અમલીકરણને કોઈ સત્ત્।ાવાર લેખીત આદેશ વગર જ મોકૂફ રાખવામાં આવ્યું છે.' આવા કેટલાક પ્રોજેકટ અંગે જણાવતાં આ સૂત્રે કહ્યું કે, 'આ યોજનામાં રાજયની ૫૦૦૦૦ હેકટર જેટલી બિનઉપજાઉ જમીનને હોર્ટીકલ્ચર માટે કોર્પોરેટ્સ અથવા વ્યકિતને ફાળવવાનો પ્રોજેકટ છે જેને પર અંતિમ મંજૂરીને હોલ્ડ પર મૂકવામાં આવી છે. આવા બીજા પ્રોજેકટ્સ જેમાં રાજકોટ અમદાવાદ એકસેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ વે, રાજકોટ અમદાવાદ સેમી હાઈ સ્પીડ રેલ સર્વિસ, રાજકોટમાં મેડિકલ ડિવાઈસ પાર્ક અને ટોય મેન્યુફેકચરિંગ પાર્ક અને બીજા આવા કેટલાક પ્રોજેકટસ છે જેને રાજય સરકાર દ્વારા હજુ જોઈએ તે મુજબની જરૂરી મંજૂરીઓ મળી નથી.' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

આ અંગે તમામ જાણકારી ધરાવાત સૂત્રોએ કહ્યું કે, 'હાલની તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પર અમલને હાલ અટકાવી દેવામાં આવ્યો છે અને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ તમામ યોજનાઓ પર આગામી દિવસોમાં ફરીથી રિવ્યુ કરશે જે બાદ નિર્ણય લેવામાં આવશે. જેમાં રુપાણી સરકારીની ખૂબ જ ગાજેલી સ્કિમ જે અંતર્ગત રાજયની ૫૦૦૦૦ હેકટર જેટલી બિનઉપજાઉ જમીનને કોર્પોરેટ્સ અથવા વ્યકિતગત ધોરણે બિનખેડૂત વ્યકિતને હોર્ટીકલ્ચર માટે ફાળવવાના પ્રોજેકટ પર હાલ બ્રેક લાગી ગઈ છે અને ભવિષ્યમાં તેને અભેરાઈ પર ચડાવી દેવાની પૂરેપૂરી શકયતા છે.'

આ ઉપરાંત સૂત્રોએ માહિતી આપતા કહ્યું કે 'રૂપાણી દ્વારા રાજયમાં ઈન્ડસ્ટ્રી માટે જગ્યાની કિંમતના ૬ ટકા જેટલા વાર્ષિક ભાડા પટ્ટા પર જમીન ફાળવવાની જાહેરાત, ઈલેકિટ્રક વાહનો પર ઈન્સેન્ટિવની જાહેરાત, નવી ટુરિઝમ પોલિસી અંતર્ગત ઈન્સેન્ટિવ જેવી યોજના પર અમલને અટકાવી દેવાયો છે.' આ ઉપરાંત રૂપાણી દ્વારા રાજકોટ માટે જાહેર કરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સને પણ ફરી રિવ્યુ કરવામાં આવશે. જેમાં રાજકોટ અમદાવાદ સેમી હાઈ સ્પીડ રેલવેનો રૂ.૧૧,૩૦૦ કરોડનો પ્રોજેકટ, રાજકોટ અમદાવાદ એકસેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ વે, રાજકોટ ટોય પાર્ક, રાજકોટ મેડિકલ ડિવાઈસ પાર્કના પ્રોજેકટને પણ અટકાવી દેવાયા છે. તેમજ આમાંથી ઘણાખરા પ્રોજેકટ્સને પતો પડતા મૂકવાની પણ વાત છે. તેમ અંતે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ઉમેરે છે.

(10:21 am IST)