Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ

રાજ્યના ૯૧૦૪ ગામો તથા ૧૬૯ શહેરોને પીવાના પાણી, ઘર વપરાશના પાણીનો લાભ : ૧૬.૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ક્ષમતા વિકસિત : ૧૨.૦૯ લાખ હેક્ટર પિયત વિસ્તારને સિંચાઈનો લાભ : બે જળ વિદ્યૃત મથક દ્વારા અત્યારસુધી ૫૦૭૭ કરોડ વીજ યુનિટ ઉત્પાદન : રૂ. ૨૦,૩૦૮ કરોડની બચત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ અનેક અડચણો પાર કરીને વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ કરાયો છે. જેમાં વિવિધ કેનાલોના નેટવર્કમાં ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જેના દ્વારા રાજ્યના ૯૧૦૪ ગામો અને ૧૬૯ શહેરોને પીવાના પાણી અને ઘર વપરાશના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પણ સિંચાઈ સુવિધા પુરી પાડીને ૧૬.૯૦ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ ક્ષમતા વિકસીત કરાઈ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યાનુસાર કુલ આયોજિત નહેર માળખાના ૯૦ ટકા લંબાઈના કામો પૂર્ણ થયા છે. જેમાં મુખ્ય નહેરના ૪૫૮.૩૨ કિ.મી., શાખા નહેરના ૨,૬૬૧.૫૫૪ કિ.મી., વિશાખા નહેરના ૪,૪૩૪.૨૭ કિ.મી., પ્રશાખા નહેરના ૧૪,૪૧૫.૨૮૪ કિ.મી., પ્ર-પ્ર શાખાના ૪૦,૮૦૪.૯૬૧ કિમી મળી કુલ ૬૨,૭૭૪.૪૫ કિ.મી. લંબાઈના કામોનો સમાવેશ થાય છે.

       ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે આ પ્રોજેક્ટ દ્વારા વિપુલ પ્રમાણમાં સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જે અંતર્ગત કુલ ૧૬.૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઈ છે તે પૈકી ૧૫.૧૯ લાખ હેક્ટર વિસ્તારમાં પ્ર-પ્રશાખા નહેરના કામો પણ પૂર્ણ કરાયા છે. ભાસ્કારાચાર્ય ઇન્ટીટ્યુટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓઈન્ફોર્મેટીક્સ (BISAG) દ્રારા જાન્યુ-૨૦૨૧માં સેટેલાઈટ ઇમેજના અભ્યાસ મુજબ ૧૨.૦૯ લાખ હેક્ટર પિયત વિસ્તારને નર્મદાના પાણીથી સિંચાઇનો લાભ પૂરો પડાયો છે. જેના પરિણામે ખેડૂતોને પાક પસંદગીમાં, પાક ઉત્પાદન તેમજ આવકમાં વિપુલ પ્રમાણમાં વધારો થતા ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે અને જીવન ધોરણમાં પણ સુધારો નોંધાયો છે. ૪૫૮ કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેરમાં નર્મદાનું નીર અવિરતપણે વહન કરીને રાજ્યના લાભાર્થી વિસ્તારો સહિત રાજસ્થાનને પાણી પહોંચાડવામાં આવે છે.

છેલ્લાં બે વર્ષ દરમિયાન સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ જળસપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવ્યો જેના કારણે પાણીની ઉપલબ્ધતા તથા જળ વિદ્યૃત ઉત્પાદનમાં પણ વધારો થયો છે.

રાજ્યના ૯૪૯૦ ગામો તથા ૧૭૩ શહેરોને પીવાનું પાણી/ઘર વપરાશનું પાણી પુરુ પાડવાનું આયોજન છે. જે હેઠળ ઓગષ્ટ-૨૦૨૧ સુધીમાં ૯૧૦૪ ગામો તથા ૭ મહાનગર પાલિકા સહિત ૧૬૯ શહેરોને આવરી લેવાયા છે. જેનાથી અંદાજે ૩ કરોડ નાગરિકોને નર્મદાનું પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નર્મદાના વિશાળ નહેર માળખા થકી જળરાશિમાં પણ વિપુલ માત્રામાં વધારો થતાં ગુજરાત માટે પીવા/ઘરવપરાશના પાણીની તંગી ભૂતકાળ બની ગઈ છે. વિવિધ નદીઓમાં નહેરોના જોડાણ થકી રિચાર્જ માટે પાણી છોડવામાં આવ્યું જેના લીધે ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા યોજના અંતર્ગત કુલ ૧૪૫૦ MW સ્થાપિત વીજ ક્ષમતાવાળા બે જળ વિદ્યૃત મથક મારફતે અત્યારસુધીમાં ૫,૦૭૭ કરોડ યુનિટનું વીજ ઉત્પાદન કરાયું છે જેની બજાર કિંમત અંદાજે રૂ. ૨૦,૩૦૮ કરોડ જેટલી થાય છે.

(4:59 pm IST)