Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજ્યમાં મત્સ્ય ઉત્પાદન વધારવા કેજ કલ્ચરનો નવતર અભિગમ

ધરોઈ જળાશયમાં ૫૦૦ કેજ દ્વારા પ્રતિ વર્ષ ૫૦૦ ટન પેલાશીયસ માછલીનું ઉત્પાદન

રાજ્યમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે જળાશયો કેજમાં મત્સ્ય ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે. આ પદ્ધતિમાં મત્સ્યબીજ કેજમાં સંગ્રહ કરવામાં આવે છે, વધારાનો કૃત્રિમ બાહ્ય ખોરાક માછલીઓને પૂરો પાડવામાં આવે છે અને યોગ્ય પરિસ્થિતિમાં ઉછેર કરવામાં આવે છે. ફીશ કલ્ચર કેજ નુ માપ ૬ મી × ૪ મી × ૪ મી રાખવામાં આવે છે. 

ગુજરાતના મહેસાણા જીલ્લાના ધરોઇ જળાશય ખાતે શ્રીમતી હર્ષાબેન કેશવભાઇ ઓડેદરા, પોરબંદર દ્વારા કેજ સ્થાપવામાં આવેલ છે. મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ભારત સરકારની બ્લ્યુ રીવોલ્યુશન યોજના તળે ૫૦૦ કેજ સ્થાપવા માટે કુલ પ્રોજેક્ટ કોસ્ટ રૂ.૧૫ કરોડના ૬૦% લેખે રૂ. ૯ કરોડની સહાય આપવામાં આવી છે.    

       શ્રીમતી હર્ષાબેન કેશવભાઇ ઓડેદરા, પોરબંદર દ્વારા ધરોઇ જળાશય ખાતે સ્થાપેલ ૫૦૦ કેજમાં અંદાજીત ૫૦૦ ટન પ્રતિ વર્ષ જેટલુ પેલાશીયસ માછલીનું ઉત્પાદન મેળવ્યુ છે. એક કેજમાં અંદાજીત ૧ થી ૧.૫ ટન જેટલુ ઉત્પાદન તેઓ દ્વારા મેળવાયુ છે. પેલાશીયસ માછલીનુ તેઓ રૂ.૮૦ પ્રતિ કિ.ગ્રા.ના દરે વેચાણ કરે છે અને ૫૦૦ કેજમાં કેજ કલ્ચરની પ્રવૃતિ કરવા માટે ૩૫ થી ૪૦ માણસોને રોજગારી પૂરી પાડવામાં આવે છે.

       કેજ ક્લ્ચર એ નવી આધુનિક ટેક્નોલોજી છે જેના દ્વારા જળાશયોમાં મત્સ્ય ઉછેર કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ યોજના દ્વારા મત્સ્યોદ્યોગ ક્ષેત્રે નીલ ક્રાંન્તિ માટેનો ભારત સરકારનો ઉદ્દેશ્ય પરીપૂર્ણ થયો છે. 

(5:01 pm IST)