Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરા: ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાને ફોન પર ધમકી : અગર તુમ મસ્જિદ ગિરાઓગે, તો હમ તુમ્હે ગીરા દેંગે: ચકચાર

વોર્ડ ન 10ના કોર્પોરેટરે તાંદલજા વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે સભામાં રજૂઆત કરી હતી : ગોત્રી પોલીસમાં ફરિયાદના આધારે ફોન કરનારની શરૂ કરી તપાસ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે સભામાં રજૂઆત કરનાર ભાજપના કોર્પોરેટરને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અજાણ્યા શખસે નીતિન દોંગાને ફોન કરીને 'તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે' તેવી ધમકી આપી હતી. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે મસ્જિદનું બાંધકામ તોડી પાડવા 7 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે.

પાલિકાની સામાન્ય સભામાં ભાજપના ઇલેક્શન વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગાએ તાંદલજામાં મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી, તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પાલિકાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડતા નથી તેવો આક્ષેપ કર્યાં હતા. આ મુદ્દે પાલિકા દ્વારા બે વખત નોટિસો આપવા છતાં વધારાના બાંધકામને તોડવા કાર્યવાહી કરાતી નથી. 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં. છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું.

બે દિવસ અગાઉ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ 7 દિવસની મુદત આપી છે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે. આ મસ્જિદમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિન વાળા ભાગમાં બાંધકામ થયું છે અને 15 ફૂટ વધારાના બાંધકામનો ઘટસ્ફોટ ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ પાલિકાની સભામાં કર્યો હતો.

ગુરૂવારે સાંજે કોર્પોરેટર નીતિન દોંગાને અજાણ્યા શખસે ફોન કરી "તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે" તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે કોર્પોરેટરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(8:01 pm IST)