Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમદાવાદના બિસ્માર રસ્તાથી પ્રજા ત્રાહિમામ : હાઇકોર્ટે મનપાને ખખડાવી નાખી

માત્ર કાગળ પર કામ ન થાય, રસ્તા પર કામ દેખાવું જોઈએ. : હાઇકોર્ટે મનપાને આપ્યો નિર્દેશ : કોર્ટે કોર્પોરેશન અને સરકારને રોડ-રસ્તા બાબતે કેટલાક આકરા સવાલો પણ પૂછ્યા

અમદાવાદમાં બિસ્માર રોડની હાલતને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. વારવાર રજૂઆત કરવા છતા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. આ મુદ્દે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સામે આકરું વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ આપ્યો છે કે, માત્ર કાગળ પર કામ ન થાય, રસ્તા પર કામ દેખાવું જોઈએ.

આ કેસની સુનાવણી દરમિયાન અમદાવાદના 60% જેટલા રસ્તાઓ હજી પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ આપ્યો છે કે કાગળ પર કામ ન થવું જોઈએ રસ્તા પર કામ દેખાવું પણ જોઈએ, ખાલી વાયદાઓ અને સોગંદનામાં નહીં ચાલે. આ મામલે કોર્ટે કોર્પોરેશન અને સરકારને રોડ-રસ્તા બાબતે કેટલાક આકરા સવાલો પણ પૂછ્યા હતા, કે શું કોર્પોરેશન અને સરકારના અધિકારીઓને અમદાવાદના રસ્તાઓ યોગ્ય લાગે છે? શું રસ્તાઓની આ ગુણવત્તાથી અધિકારીઓ ખુશ છે?

કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર અરજદારે રજુઆત કરી છે કે, કોર્પોરેશન જો લોકોને સારા રસ્તાઓ ના આપી શકતું હોય તો લોકોને ટેક્સના પૈસા પાછા આપવા જોઈએ. બીજી તરફ આ મામલે કોર્પોરેશને કોર્ટમાં રજૂઆત કરી છે કે, મેટ્રો રેલની કામગીરી ચાલી રહી હોય ત્યાં થયેલા બિસ્માર રસ્તા અંગે પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રજુ કર્યો અને કહ્યું કે, મેટ્રોનું કામ ચાલે છે, ત્યાં રોડ તૂટે તો એ કોર્પોરેશનની જવાબદારી નથી, તે MEGAની જવાબદારી છે. જે મામલે કોર્ટે ટકોર કરી હતી કે રસ્તાઓ કોર્પોરેશનની સીટી લીમિટમાં છે, શું તમે MEGA જોડે કામ નથી લઈ શકતા? શું તમે MEGA કંપનીને કહ્યું કે એ એમની જવાબદારી છે, અને રસ્તાઓ ઠીક કરવાના છે?

આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટે સરકારનો ખુલાસો માંગ્યો છે. ફ્લાયઓવરની નીચેની ખાલી જગ્યાઓમાં પાર્કિંગની સુવિધા સુચારું રૂપે ઉભી કરવા માટે કોર્ટે ટકોર કરી છે. સાથે જ મેટ્રોના પિલર પાસે પાર્કિંગ રોકવા શું કામગીરી કરવામાં આવે છે તે પણ કોર્ટે પૂછ્યું છે. આ બાબતે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકાની પાર્કિંગ પોલિસી રાજ્ય સરકારે મંજૂર કરી છે. આગામી 22 નવેમ્બર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક વિભાગને પોલીસ કામગીરી કરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે.

(7:58 pm IST)