Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ધો. ૧ થી ૫ની સ્કૂલો શરૂ કરવાની એકાએક જાહેરાત કરી દેવાતા વાલીઓ - સંચાલકોમાં રોષ !

સ્કૂલો ખોલવાની જાહેરાત પહેલા એક અઠવાડિયા જેટલો સમય આપવો હતો : સંચાલકો : શિક્ષણ મંત્રીએ એકાએક ધો. ૧ થી ૫ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતા તર્કવિતર્ક : વાલીઓ - શાળા સંચાલકો સાથે ચર્ચા વિના જ સરકારે નિર્ણય લઇ લેતા રોષ

અમદાવાદ તા. ૨૨ : રાજયમાં ધોરણ ૧ થી ૫ ની સ્કૂલો આજથી શરૂ કરવાની જાહેરાત રવિવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. માર્ચ ૨૦૨૦ પછી સળંગ ૧૮ મહિના પ્રાઈમરી સ્કૂલો બંધ રહ્યા પછી સોમવારથી શરૂ થઈ રહી છે. સરકારે અચાનક જ એકતરફી નિર્ણય કરીને આજથી જ સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરતાં સંચાલકો અને વાલીઓમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સ્કૂલો શરૂ કરતાં પહેલા એક અઠવાડિયાનો સમય આપવામાં આવતો હોય છે. પણ શિક્ષણ મંત્રીએ એકાએક જાહેરાત કરી દેતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.

કોરોના મહામારીના કારણે રાજયમાં માર્ચ ૨૦૨૦થી પ્રાથમિક સ્કૂલો બંધ કરાઈ હતી. જે બાદ કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં તબક્કાવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરાઈ હતી. ત્યાં સુધી ઓનલાઈન કલાસ શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. મોટા વર્ગોની સ્કૂલો ખુલી જતાં ધોરણ ૧ થી ૫ના વર્ગો કયારે શરૂ થશે તે અંગેની અટકળો શરૂ થઈ હતી. આ ધોરણની સ્કૂલો શરૂ કરી શકાય કે કેમ તે નિર્ણય લેવા માટે સરકારે અલગથી કમિટીની રચના પણ કરી હતી. વાલીઓ અને સંચાલકો સ્કૂલો કયારથી શરૂ થશે તેવી રજૂઆત કરતાં યોગ્ય સમયે પ્રાથમિક સ્કૂલો શરૂ કરાશે તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી.

સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, હવે સ્કૂલો ખુલવાની જાહેરાત થતાં શાળા સંચાલકો કહે છે કે, શિક્ષણમંત્રીએ રવિવારે રજાના દિવસે આજથી સ્કૂલ શરૂ કરશે તેવી જાહેરાત કરતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

સંચાલકો કહે છે કે, સ્કૂલો શરૂ કરવા માટે એક સપ્તાહની મુદ્દત આપવી પડે તેમ છે કારણકે છેલ્લા ૧૮ મહિનાથી સ્કૂલો બંધ હતી. સેનિટાઈઝેશન સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં સોમવારથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત ભારે મુશ્કેલી ઊભી કરી છે. મોટાભાગની સ્કૂલોના વર્ગો અવાવરૂ અને સાફ કર્યા વિનાના પડ્યા છે. ૨૪ કલાકમાં સ્કૂલો સાફ કરાવીને સેનિટાઈઝ કરાવી શકય નથી. ઉપરાંત જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલો મોકલવા માગે છે તેમની પાસેથી બાંહેધરી લેવાની હોય છે અને તેનો નમૂનો પણ સ્કૂલોએ વાલીઓને આપવાનો રહે છે.

આજથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે આ પ્રકારની કામગીરી પણ થઈ શકે તેમ નથી. સરકારે સ્કૂલો શરૂ કરતાં પહેલા સંચાલકો-વાલીઓ સાથે પરામર્શ કે વાટાઘાટો કરી નથી. સંચાલકોનું કહેવું છે કે, સરકારને એવી તો શી મજબૂરી છે કે, જેમને સીધી અસર થવાની છે તેવા વાલીઓ, સંચાલકો કે અન્ય સંબંધિત લોકોને જાણ કર્યા વિના આજથી જ સ્કૂલો શરૂ થશે તેવી જાહેરાત કરવી પડે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

(10:09 am IST)