Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરતમાં ટ્રાન્‍સપોર્ટના વ્‍યવસાય સાથે સંકળાયેલ અરૂણ મહાદીપની એક કરોડના ગાંજા અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે ધરપકડઃ અન્‍યોની સંડોવણી ખુલવાની શક્‍યતા

પુણાની નિયોલ ચેકપોસ્‍ટ પાસે પોલીસે ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપી પાડયો

સુરત: ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ છે. એક સમયે પંજાબમાં ડ્રગ્સ માટે બદનામ હતું, ત્યારે હવે ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનુ સેન્ટર બની ગયુ છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સુરતમાં એક કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાયો છે. પુણાની નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં ગાંજો લાવવામાં આવી રહ્યો હતો, તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.

ડ્રગ્સ સાથે 37 વર્ષીય યુવક પકડાયો

કચ્છ, દ્વારકા સહિત ગુજરાતના દરિયાઈ માર્ગો બાદ સુરતમાંથી સતત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે હવે સુરત પોલીસ સતર્ક બની છે. શહેરના પુણા પોલીસ સ્ટેશનના હદમાઁથી ગાંજો ઝડપાયો છે. નિયોલ ચેકપોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 37 વર્ષીય આ યુવક સુરતના ડીંડોલીનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

ગાંજા કેસમાં મોટા નામ ખૂલે તેવી શક્યતા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના ડ્રગ્સનૂ દૂષણ ડામવા માટે કટિબદ્ધ બન્યા છે. ત્યારે તેમના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે. જોકે, એક કરોડના ગાંજાના મામલામાં અનેક મોટા નામ ખૂલે તેવી શક્યતા છે.

(5:17 pm IST)