Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - VGGS ૨૦૨૨ના પડઘમ : સમિટ પહેલાં રૂ. ૨૪૧૮૫.૨૨ કરોડના ૨૦ MOU પર હસ્તાક્ષર થયા : અંદાજે ૩૭ હજાર જેટલી નવી પ્રત્યક્ષ રોજગારીની તકો મળશે

ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગ અને વિવિધ સુચિત રોકાણકારો વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન : જે એમ.ઓ.યુ. થાય તે ઉદ્યોગો સમયસર શરૂ થાય તે જવાબદારી ઉદ્યોગો નિભાવે : ઉદ્યોગોને જરૂરી મદદ - સહયોગ કરવાની રાજ્ય સરકારની નેમઃ મુખ્યમંત્રી

રાજકોટ, તા. રર :  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે

  વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે

 આગામી જાન્યુઆરી ૨૦૨૨ માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે .

 ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન  ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની ૧૦મી શ્રૃંખલાના પ્રારંભ પૂર્વે આજે ગુજરાત સરકારે  રૂ. ૨૪ ૧૮૫.૨૨ કરોડના સૂચિત મૂડીરોકાણ માટે ૨૦જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા 

 આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે ૩૬,૯૨૫ જેટલી રોજગારની નવી તકો ઊભી થશે .

 ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ  રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં આ MOU પર હસ્તાક્ષર થયા હતા .

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ  અવસરે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટ થી નાખ્યો છે તેના  પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે

 રાજ્ય સરકાર પણ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી  ના પદચિન્હો પર ચાલીને  સકારાત્મક બિઝનેસ પોલિસી તથા પ્રોત્સાહક વાતાવરણ થી વધુ ને વધુ ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે પ્રતિબદ્ધ છે .

 શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે એમ ઓ યુ થાય તે ઉદ્યોગો સમયસર શરુ કરવાની જવાબદારી ઉદ્યોગો નિભાવે તે જરૂરી છે

 તેમણે  રાજ્ય સરકાર  દ્વારા  ઉદ્યોગોને  જરૂરી મદદ અને સહાય રૂપ થવાની નેમ પણ વ્યકત કરી હતી.

 આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,  મુખ્યમંત્રીશ્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

  આજે જે MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેકટનો સમાવેશ થાય છે.

 આ ક્ષેત્રમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર બંને દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાથી રોકાણકારોને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સહિત પુષ્કળ તકો ઉપલબ્ધ થઈ રહી છે

.   વડાપ્રધાનની ગતિશકિત યોજના માટે પણ ધોલેરા SIR મુખ્ય ચાલકબળ બની રહેશે જેના આધારે આગામી વર્ષોમાં અનેક મેગા પ્રોજેકટનો પાયો નખાશે .

 જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં - ઉત્પાદન, રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, ટેકનિકલ ટેકસટાઇલ, દવા ઉદ્યોગો તેમજ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે

 આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે.

આ મૂડીરોકાણો દ્વારા ૅઆત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતૅનું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.

(5:28 pm IST)