Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરીઃ 16 જેટલા લોકોના ખોવાયેલા મોબાઇલ માત્ર અરજી કરવાથી મુળ માલિકોને પરત અપાવતી પોલીસ

ઇ-એફઆઇઆર વગર પોલીસે ફોન ટ્રેસ કરીને ખોવાયેલા મોબાઇલ શોધી કાઢયા

અમદાવાદ: જો તમે બજારમાં ખરીદી માટે ગયા હોવ અથવા તો કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોય તે સમયે તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય તો પોલીસ પર ભરોસો રાખજો. કેમ કે પોલીસે આવી જ વિશ્વાસ ઉભો થાય એવી કામગીરી કરી છે. ચોરાયેલા કે ગુમ થયેલા 16 થી વધુ ફોન પોલીસે શોધી પરત કર્યા.

ફોન ચોરી કે ફોન ચોરી થયા બાદ ફોન પરત મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અથવા તો ઘરે બેઠા e-FIR, FIR કરવાની જરૂર પડતી હોય છે. જે બાદ પણ પોલીસ સ્ટેશન ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે, તેવામાં જો મોબાઈલ ખોવાયાની અથવા તો ચોરાયાની માત્ર અરજીના આધારે જ તમારો ખોવાયેલો મોબાઈલ પરત મળી જાય તો? આવું જ કંઈક દરિયાપુર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. 

અમદાવાદના દરિયપુર વિસ્તારમાં મોબાઈલ ખોવાઈ જવા અંગે અલગ અલગ અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, જેના આધારે દરિયાપુર પોલીસે 16 જેટલા અરજદાર ના મોબાઈલ ફોન ઉપર થી ટ્રેસ કરીને મેળવી લીધા હતા અને તે મોબાઈલ ફોન મૂળ માલિક ને માત્ર અરજી ઓના આધારે પરત કરવામાં આવ્યા છે. જેથી કરીને મોબાઈલ ના માલિક ને પોલીસ સ્ટેશનના ધક્કા અને હેરાનગતિ થતી અટકી છે. 

મહત્વનું છે કે ભીડભાડવાળી જગ્યા ઉપર જેમકે શાક માર્કેટ અને ધાર્મિક સ્થળો અને બજારમાં શહેરીજનો જાય ત્યારે નજર ચૂકવીને અથવા તો યેનકેન પ્રકારે મોબાઈલ ફોનની ચોરી ની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે, ત્યારે દરિયાપુર પોલીસ ના આ પ્રયાસથી અરજદારોને ઘણી રાહત મળી છે અને મોબાઈલ ફોનના માલિકોએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં કાલુપુર ચોખા બજાર તેમજ કાલુપુર શાકમાર્કેટ સહિતના ખરીદી બજારમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય છે, ત્યારે ભીડભાડ વાળી જગ્યા ઉપર મોબાઈલ ચોરી જેવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ પોઇન્ટ મૂકીને બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 

ચોર ત્યારે જ ચોરી કરી શકે છે જ્યારે લોકોની બેદરકારી કે ભુલ હોય. પોલીસ નું એવું પણ કહેવું છે કે લોકોની બેદરકારીના લીધે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. ચોર સામે પોલીસની નજર રહેલી હોય છે પણ લોકોએ પણ ખૂબ સતર્ક રહેવું જરૂરી બન્યું છે.

(6:20 pm IST)