Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

શહીદ દિન નિમિત્તે રાજપીપલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવીને ડો. દર્શના દેશમુખે પર્યાવરણના જતન માટે સૌને સંદેશો પાઠવી શહીદોને આપી સાચી શ્રદ્ધાંજલિ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે દેશની આઝાદીમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મા ભારતીના આ મહાન સપૂતોનું બલિદાન નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રની યુવાપેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા ઉમદા આશય સાથે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપલા રમત સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો. દેશમુખે જિલ્લાની દીકરીઓને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું. સમાજના વિકાસમાં યુવાધનનો ફાળો મહત્વપૂર્ણ છે. પરંતુ દીકરીઓ પણ તમામ ક્ષેત્રે પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે તેમ જણાવતા ડો. દેશમુખે જિલ્લાની દીકરીઓ રાજપીપલા રમત સંકુલના માધ્યમથી રમતક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડીને જિલ્લાનું નામ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ શરૂ થયેલા ખેલમહાકુંભ થકી નર્મદા જિલ્લાના યુવાનોમાં પણ સ્પોર્ટ્સ કલ્ચર ઉભુ થયું છે. રમતવીરોમાં ફિટનેશ પ્રત્યેની અનોખી લહેર જોવા મળી રહી છે. તાજેતરમાં જ રમત-ગમત મંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજપીપલાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણાધિન આધુનિક સુવિધાઓથી સજ્જ સિન્થેટીક એથ્લેટીક ટ્રેક અને ડોરમેટરી ભવનનું લોકાર્પણ કરી જિલ્લાના રમતવીરોને સુવર્ણ ભેટ આપી હતી. આ ઉત્તમ તકને ઝીલીને યુવાઓ પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જવળ દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કરે તેવી ડો. દેશમુખે શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા, જિલ્લાના ખો-ખો કોચ જીગર રાઠવા, જિલ્લાના જિમ્નાસ્ટિક કોચ સુશ્રી મિકિતા પટેલ, કોમ્પલેક્ષ મેનેજર રાજેન્દ્ર ઠાકોર, નવદુર્ગા હાઈસ્કુલના આચાર્યા રીનાબેન પંડ્યા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના તમામ અધિકારી-કર્મચારીઓ, સ્પોર્ટ્સ સ્કુલ  (DLSS) ના કોચ, ટ્રેનર-સ્પોર્ટ્સ સ્ટુડન્ટ્સ, નીલ રાવ તેમજ પ્રાંત કચેરીમાંથી વિરલ વસાવા સહિત જિલ્લાના સીનિયર સિટિઝન દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન સાથે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા દેશના શહીદ વીર સપૂતોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી

(10:18 pm IST)