Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કલેકટર કચેરી આવી રહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપા ટપી

ચૈતર વસાવાએ જિલ્લાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા :કલેકટરને આવેદન આપ્યું :ચૈતર વસાવાના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલન અને ધરણાને નિષ્ફળ બનાવવા માટે જ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું હોવાની ચર્ચા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સી દ્વારા બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી ચૈતર વસાવાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લોએ અતિ પછાત જિલ્લો છે.અહીં લોકોના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે. સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ પણ કરવામાં આવતો નથી.જે બાબતે ડેડીયાપાડાના ધારા સભ્યએ લેટરમાં ઉલ્લેખ કર્યો હતો કે દિન 7 માં આ બાબતે સરકાર દ્વારા જો નિકાલ નહિ આવે તો નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

આ તમામની વચ્ચે નર્મદા જિલ્લામાં પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, ઉપવાસ, રેલી સહિત કેટલીક પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ - ૧૩૫ તથા ભારતીય દંડ સંહિતાની કલમ - ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એવું જણાવાયુ હતું.ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલન અને ધરણાને નિષ્ફળ બનાવવા માટે જ તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પડાયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બીજી બાજુ પોતાની ચીમકી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના કાફલા સાથે આંદોલન માટે રાજપીપળા આવવા નીકળ્યા ત્યારે પ્રવેશ દ્વાર પર જ પોલીસે એમને રોક્યા હતા. એ દરમિયાન પોલીસ અને નર્મદા DYSP સરવૈયા વચ્ચે શાબ્દિક ટપા ટપી પણ થઈ હતી.જો કે ધરણાં નહિ કરીએ એવી લેખીત બાહેધરી ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યા બાદ એમને અંદર પ્રવેશ અપાયો હતો.ધારાસભ્ય ચૈતર વસાવાની ધરણાની ચીમકીને પગલે રાજપીપળાના અલગ અલગ પ્રવેશ દ્વાર પર પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. બાદમાં ચૈતર વસાવા અને સરપંચોએ નર્મદા કલેક્ટરના પ્રતિનિધિને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર આપતી વખતે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા અયોજન અધિકારી પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે 1 લાખના હાઈ માસ્કના ટાવરના એમણે એજન્સીએ 10 લાખ રૂપિયા ચૂકવ્યા છે.નર્મદા જિલ્લા વહિવટી તંત્રએ આદિવાસીઓના વિકાસ માટેના 68 કરવામાં કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરવામાં વાપર્યા છે.અહીં લોકોના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે.પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે.પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે.અહીંયા જાડી ચામડીના સરકારી બાબુઓ આદીવાસીઓના વિકાસનાં પૈસા ખાઇ જાય છે. જો આગામી 7 દિવસમાં અમને યોગ્ય જવાબ નહિ મળે તો અમારા વિસ્તારનાં આદીવાસીઓ સાથે અમે નર્મદા જિલ્લા કલેકટર કચેરીનો ઘેરાવ કરીશું.

(10:21 pm IST)