Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

વડોદરાના હેતમપુરા નજીક ઈકો પલ્ટી જતા મહિલાનું કમકમાટીભર્યું મોત:માતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: મહારાષ્ટ્રમાં સંબંધી મૃત્યુ પામતા ત્યાં હાજરી આપીને પરત ફરતાં વડોદરાના પરિવારને ડભોઇ-વડોદરા સ્ટેટ હાઇવે પર હેતમપુરા ગામ પાસે અકસ્માત નડતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું.આ અંગેની વિગત એવી છે કે બીલમાં ઓમપાર્ક સોસાયટીમાં રહેતા ધનરાજ ગજમલ પાટીલ ડ્રાઇવિંગ કરે છે. તેમના પત્ની સાધનાબેન ખાનગી સ્કૂલમાં ફરજ બજાવે છે. તા.૨૦ના રોજ તેમના વડોદરાના બગીખાના વિસ્તારમાં તીર્થમ ફ્લેટમાં રહેતા ભાભી મુક્તાબેનના બનેવી મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના ડોડાઇચા પાસે માંડળ ગામે મૃત્યુ પામ્યા હોવાથી મુક્તાબેન પાંડુરંગ પાટીલ તેમનો પુત્ર કલ્પેશ અને સાધનાબેન ત્રણે ઇકો ગાડીમાં મહારાષ્ટ્ર ગયા હતાં.મરણમાં હાજરી આપ્યા બાદ તેઓ પરત ફરતાં  હતા ત્યારે મોડી રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ ડભોઇથી વડોદરા આવતી વખતે હેતમપુરા ગામ પાસે હનુમાન મંદિર નજીક ઇકો ચલાવતા કલ્પેશે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ઇકો અચાનક પલટી મારીને સિમેન્ટના પિલર સાથે અથડાઇ હતી. આ બનાવમાં ત્રણેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સાધનાબેનનું મોત નિપજ્યું હતું જ્યારે માતા અને પુત્રને ઇજા થઇ હતી. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:23 pm IST)