Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા બોલ્યા- ભાજપની ઝોળીમાં સુરતનું એક કમળ આવી ગયું છે, દેશભરમાંથી આ એક સુરતથી શકન થયા

સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવા સાથે અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપની જીત થઈ

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. ક્ષત્રિયોની માંગ છતાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ ના કરવામાં આવતા હવે ભાજપનો બહિષ્કાર કરવાની રણનીતિ બનાવી છે. એવામાં ગઈકાલે સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવા ઉપરાંત અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપની જીત થઈ છે. આ બાબતે પરષોત્તમ રુપાલાએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

પરષોત્તમ રુપાલાએ આજે હનુમાન જયંતિની શુભકામના પાઠવતા જણાવ્યું કે, બજરંગબલીની કૃપાથી ભાજપની ઝોળીમાં સુરતનું એક કમળ આવી ગયું છે. દેશભરમાંથી આ એક સુરતથી શકન થયા છે. જેનો પ્રવાહ હવે સમગ્ર દેશની અંદર આગળ વધશે.

હકીકતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મુદ્દે સર્જાયેલા 24 કલાકના હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ ગઈકાલે બપોરે દોઢ વાગ્યાની આસપાસ સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ અને તેના ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ કરી દીધુ હતુ. કોંગ્રેસના ફોર્મ રદ્દ થતાં ભાજપ દ્વારા અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેવા માટે એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતુ. આખરે બપોરે અઢી વાગ્યા સુધીમાં ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કર્યાં હતા.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. જો કે મતદાન પહેલા જ ભાજપે એક બેઠક પર જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થતાની સાથે જ દેશભરમાંથી પ્રથમ કમળ ખીલ્યું છે. આમ દેશની 543 બેઠક પૈકી ભાજપે સુરતથી જીતનું ખાતુ ખોલી દીધુ છે.

 

(8:13 pm IST)