Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

બ્રેઇનડેડ ‘૨૦૦૦'... આજથી બેંકોના ‘બિછાને' આવકાર્ય

RBIના પરિપત્રનું મનસ્‍વી અર્થઘટન કરી નોટ બદલવા આવનારને ધક્કે ચઢાવવા તખ્‍તો તૈયાર : કેટલીક રાષ્‍ટ્રીયકૃત ખાનગી અને સહકારી બેંકોએ જનતા પાસેથી ફરજિયાતપણે પુરાવા લેવાનું નક્કી કર્યું

સુરત,તા. ૨૩ : ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ આજથી નોટની અદલાબદલીનો કારભાર શરૂ થયો છે. નાગરિકોને હાલાકી પડે નહીં તે માટે તમામ તકેદારી રાખવા RBIએ બેંકોને સૂચના આપી છે. આમ છતાં બેંકોએ RBIનાપરિપત્રનું ખોટું અર્થઘટન કરીને નાગરિકોને રંજાડવા તખ્‍તો ઘડી નાંખ્‍યો છે. કેટલીક ખાનગી અને સહકારી બેંકોએ નાગરિકો પાસેથી ફરજિયાતપણે આધારકાર્ડ, પાનકાર્ડ અથવા અન્‍ય કોઈપણ પ્રકારના ઓળખના પુરાવા લેવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં તમામ બ્રાંચોને પુરાવા સાથે નક્કી કરેલા ફોર્મટનું ફોર્મ ગ્રાહકો પાસેથી ભરાવીને લેવા આદેશ આપી દીધો છે.

બીજી તરફ ભુતકાળમાં થયેલા કડવા અનુભવોમાંથી પાઠ ભણીને કેટલીક બેંકોએ પુરાવા લેવાનું નક્કી કર્યું હોવાનું બેંકના જવાબદારો જણાવી રહ્યા છે. કેમ કે નોટબંધી સમયે કેટલીક બેંકોમાં એકાએક મોટી સંખ્‍યામાં રોકડ રકમ જમા થતાં આરબીઆઇ અને ઇન્‍કમટેક્‍સ વિભાગે આટલી મોટી રકમ કોણે જમા કરી તેની વિગતો માંગી હતી, પરંતુ નોટબંધી સમયે બેંકમાં રૂપિયા બદલવા માટે આવનારા વ્‍યક્‍તિઓની કોઈ જ વિગત બેંકોએ રાખી નહીં હોવાથી કેટલીક સહકારી બેંકોની હાલત પાતળી થઈ ગઈ હતી. દરમિયાન દુધથી દાઝેલા છાસ પણ ફુંકી ફુંકીને પીવે તેમ આ વખતે બેંકો કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા નહીં માંગતી હોવાનું જણાવી ગ્રાહકોનો તમામ ડેટા ભાગો કરવા માટે ની તમામ તૈયારીઓ કરી દીધી છે. ત્‍યારે આવતીકાલે બેંકોમાં ગ્રાહકો અને બેંક કર્મીઓ સાથે જીભાજોડી થવાની સંભાવના પ્રબળ છે.

 

સહકારી બેંકો પાસે ૫૦૦,૨૦૦નો પુરતો સ્‍ટોક નહીં હોવાનો ગણગણાટ

સહકારી બેંકોએ કરન્‍સી માટે અન્‍ય રાષ્ટ્રીયકૃત બેંકો ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્‍યારે  કેટલાક લોકો નોટ બદલાવવા આવશે તે હાલમાં કોઇ અંદાજ નથી. તેવા સમયે મોટી સંખ્‍યામાં ગ્રાહકો નોટ બદલાવવા સહકારી બેંકો ઉપર પહોંચશે તો અરાજકતા ઊભી થવાની સંભાવના છે. કેમકે, હાલ સહકારી બેંકો મર્યાદિત માત્રામાં રૂ.૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટ ઉપલબ્‍ધ છે.

ખાતામાં ૨૦૦૦ની નોટ જમા કરાવનારાઓ પાસેથી ડેકલેરેશન લેવાનો આગ્રહ

કેટલીક સહકારી અને ખાનગી-સરકારી રાષ્‍ટ્રીયકૃત બેંકો ખાતામાં ૨૦૦૦ રૂપિયાની નોટ સાથે રોકડ જમા કરવા આવનારા ગ્રાહકો પાસેથી ડેકલેરેશન ફોર્મ પણ ભરાવી રહ્યા છે. બેંકોએ એક ફોર્મેટ બનાવી છે. આ ફોર્મેટમાં એવું લખ્‍યું છે કે ૨૦૦૦ની જે નોટ જમા કરવું છું તે મારી પોતાની છે તેમજ બધા રૂપિયા મારા જ છે આવી વિગતો ફોર્મમાં ભરાવી ગ્રાહકોની સહી કરાવવા તખ્‍તો તૈયાર કરી દેવાયો છે.

(10:14 am IST)