Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ધો.૧૦ના પરિણામને લગતી કામગીરી પૂર્ણ : ચાલુ સપ્‍તાહે પરિણામ !

આગામી સપ્‍તાહમાં ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનું આયોજન

અમદાવાદ,તા. ૨૩ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ સપ્‍તાહમાં ધોરણ -૧૦નું પરિણામ જાહેર કરવાની તૈયારી કરાઇ હોવાનું જાણવા મળે છે. ધોરણ ૧૦ ના ૯.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓના પરિણામની કાર્યવાહી પૂર્ણ થતા ૨૫ મે આસપાસ પરિણામ જાહેર કરવાનું આયોજન કર્યું છે. જો કે બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામની તારીખની સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જ્‍યારે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ આગામી સપ્‍તાહમાં ૩૦ મે આસપાસ  જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૪ માર્ચથી લેવામાં આવી હતી. આ પરીક્ષા ૨૯ માર્ચ સુધી ચાલુ રહી હતી. ધોરણ-૧૦ની પરીક્ષામાં પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્‍યાંકનની કામગીરી શરૂ કરાઇ હતી.

મૂલ્‍યાંકનની કામગીરીમાં સૌપ્રથમ ધોરણ-૧૨ સાયન્‍સની મુલ્‍યાંકનની કામગીરી પૂર્ણ થતા બોર્ડે ૨ મેના રોજ ધોરણ-૧૨ સાયન્‍સનું પરિણામ જાહેર કરી દીધુ હતું. સાયન્‍સનું પરિણામ જાહેર કરાયા બાદ બાકી રહેલા બંને પરિણામ સમયસર જાહેર થાય તે માટે બોર્ડ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં ધો. ૧૦ના પરિણામને લગતી તમામ કામગીરી પૂર્ણ થઇ હોવાનું જાણવા મળે છે. જેથી બોર્ડ દ્વારા ચાલુ સપ્‍તાહમાં જ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંભવત બોર્ડ દ્વારા ૨૫ મે આસપાસ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.

ધોરણ-૧૦ ના પરિણામ બાદ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનું આયોજન છે. સંભવત બીજા સપ્‍તાહમાં જાહેર કરાશે. બોર્ડ દ્વારા ૩૦ મે આસપાસ ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. જો કે, બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામને લઇને સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

(10:40 am IST)