Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ગુરૂવારે ધો. ૧૦નું પરિણામ જાહેર થશે

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી : સવારે વેબસાઇટ અને વોટ્‍સએપ ઉપર પણ પરિણામ જોઇ શકાશે

રાજકોટ તા. ૨૩ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું તા. ૨૫ના ગુરૂવારે સવારે ૮ કલાકે વેબસાઇટ ઉપર પરિણામ જાહેર થશે. લાંબા સમયથી રાજ્‍યના ૯,૫૬,૦૦૦થી વધુ પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોતા હતા. આજે શિક્ષણ બોર્ડે તેમની પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ની પરીક્ષા ૧૪ માર્ચથી લેવાય હતી. તેમાં સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો. ૧૦ની પરીક્ષાના તમામ પ્રશ્નપત્ર પ્રમાણસર, સહેલા નિકળ્‍યા હતા.

ધો. ૧૦ની પરીક્ષામાં રાજકોટના ૪૭ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જામનગર જિલ્લામાં ૧૭,૬૦૭, જૂનાગઢ જિલ્લામાં ૨૫,૯૧૦ મળી કુલ ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ સૌરાષ્‍ટ્રમાંથી પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ ૨૦૨૩માં યોજાયેલ માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ અને સંસ્‍કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૨૫ ના ગુરૂવારે સવારે ૮ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્‍સએપ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

(3:27 pm IST)