Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

રાજય સરકાર અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓના સહયોગથી ૧૩૫ કરોડના ખર્ચે ૭૫ શાળાઓનું નિર્માણ કરાશે

ચાર્ટર્ડ સ્‍કુલિંગ કોન્‍સેપ્‍ટ હેઠળ અમેરિકામાં ડો.કિરણ પટેલ દ્વારા ૧૨૦૦ છાત્રોને નિઃશુલ્‍ક શિક્ષણ

અમદાવાદ,તા. ૨૩ : ગુજરાતીમાં ૧૩૫ કરોડના ખર્ચે ૭૫ શાળાઓ ખોલવામાં આવશે અને અમેરિકાની ચાર્ટર્ડ સ્‍કુર્લિંગ કોન્‍સેપ્‍ટથી શિક્ષણ અપાશે.

ભારતમાં સરકારી શાળામાં મળતા શિક્ષણને લઈને ઘણા સવાલો સતત ઉઠતા રહે છે. બાળકોને સારું શિક્ષણ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર મળે તે તેમનો મૌલિક વિકાસ વધુ જોવા મળે છે. કેટલાકવાર મોંઘી દાટ શાળામાં માતા પિતા ઉચ્‍ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા નથી પરિણામે માતાપિતાએ પેટે પાટા બાંધીને પણ ખાનગી શાળામાં બાળકને અભ્‍યાસ કરાવવો પડે છે.

આ સમયે ગુજરાત સરકાર અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે એક મહત્‍વનું પગલું હાથ ધરાયું છે. જેનાથી હવે ગુજરાતી બાળકોને અમેરિકાની કક્ષાનું શિક્ષણ મળી શકશે.

ગુજરાત સરકારે અમેરિકામાં ચાલતા ચાર્ટર્ડ સ્‍કૂલિંગ કોન્‍સેપ્‍ટ અપનાવ્‍યો છે. આ કોન્‍સેપ્‍ટ પાછળ સરકાર ૧૩૫ કરોડનો ખર્ચો કરવાની તૈયારી કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચાલતી ચાર્ટર્ડ સ્‍કૂલિંગ કોન્‍સેપ્‍ટમાં વિશેષ પ્રકારની શાળાઓ બનાવવામાં આવે છે, જેમાં સરકાર વિદ્યાર્થી દીઠ આર્થિક સહાય આપે છે જેથી જે તે વિદ્યાર્થી ચાર્ટર્ડ શાળામાં જવા અને ભણતર મેળવવા માટે સક્ષમ બની શકે. અમેરિકામાં આર્થિક રીતે સદ્ધર ન હોય પરંતુ ભણવામાં તેજસ્‍વી હોય એવા વિદ્યાર્થીઓનું ભાવિ આર્થિક મજબૂરીને કારણે ધૂંધળું ન બને તે માટે ફેડરલ ગવર્મેન્‍ટ દ્વારા ખાસ પ્રોજેક્‍ટ ચલાવવામાં આવે છે. અમેરિકાની ખાનગી શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને આશરે ૨૦ હજાર ડોલરથી ૪૦ હજાર ડોલર સુધી વાર્ષિક ફી ભરવી પડતી હોય છે. જોકે ત્‍યાં ઘણા એવા વિદ્યાર્થીઓના વાલી આટલી મોંઘી ફી ભરવા માટે આર્થિક રીતે સક્ષમ નથી તેમના માટે ચાર્ટર્ડ સ્‍કૂલનો કોન્‍સેપ્‍ટ લાવવામાં આવ્‍યો છે. આવી શાળામાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જેના પરિણામના આધારે મેરિટ તૈયાર થાય છે અને તેના આધારે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાય છે.

અમેરિકામાં વર્ષોથી રહેતા અને મૂળ ગુજરાતના ડોક્‍ટર કિરણ પટેલ ફલોરિડા રાજયમાં પોતાની શાળા ચલાવે છે. ચાર્ટર્ડ સ્‍કૂલિંગ કોન્‍સેપ્‍ટ હેઠળ તેઓ અમેરિકામાં ૧૨૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક શિક્ષણ ઉપલબ્‍ધ કરાવે છે.

(4:24 pm IST)