Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ખેડૂતો માટે માઠા સમાચારઃ મે મહીનામાં કમોસમી વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી

સૌરાષ્‍ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદઃ ચોમાસું હવે નજીક જ છે તેવી આશા લોકોને બંધાઈ છે. પરંતુ તે પહેલા જ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. ફરી એકવાર ગુજરાત પર માવઠું ત્રાટકશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત,  ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણ પલટાશે. તેમજ લોકોની ત્રાહિમામ પોકારતી ગરમીથી પણ મુક્તિ મળશે.

મે મહિનાના અંતમાં થશે ઋતુ પરિવર્તન

આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.

ક્યા ક્યા વરસાદ આવશે

ક્યા ક્યા કમોસમી વરસાદ આવશે તે વિશે તેઓએ જણાવ્યું કે, તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે. તેમણે કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.

ગરમીથી મુક્તિ મળશે

કમોસમી વરસાદથી ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. તાપમાનના પારામાં ઘટાડો થશે. જોકે, માવઠાથી વાતાવરણમાં અસહ્ય બફારો વ્યાપી શકે છે. આ કમોસમી મોસમ ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ લાવશે. કમોસમી માવઠાથી ઉનાળુ પાકને અસર પડી શકે છે.

ચોમાસાના સંકેત દેખાયા

ભારતના નક્શામાં નીચે આવેલા આંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. શુક્રવારે બંગાળની ખાડીમાં આંદામાનની છેલ્લી સરહદ ઈન્દિરા પોઈન્ટ પસાર કરીને નાનકોવરી ટાપુ સુધી વરસાદ પહોંચી ગયો છે. પરંતુ અહીથી આગળ વરસાદ વધ્યો નથી. સોમવાર બાદ વરસાદમાં કોઈ હલચલ જોવા મળી નથી. સામાન્ય રીતે 21 ના રોજ ચોમાસું પોર્ટબ્લેર પહોંચી જતુ હોય છે. પરંતુ હાલ ચોમાસાની ઉત્તરની સરહદ પોર્ટબ્લેરથી 415 કિમી દૂર છે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસું આગામી બે દિવસમાં આગળ વધી જશે. તો બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ બંધાઈ રહ્યું છે. અહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે. તો ગરમીથી નિજાત મળી જશે. આગામી ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં ગાજવીજ સાથે વંટોળ પડવાની કે વરસાદની શક્યતા છે.

(5:52 pm IST)