Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ડોક્ટર પાસેથી 60 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ:સેટેલાઈટના નહેરૂનગર પાસે ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન્સ ક્લિનિક ચલાવતા ડૉકટર પાસેથી ૬૦ લાખ લઈ માણેકચોકના સોની ભાઈઓએ છેતરપિંડી આચર્યાની ફરિયાદ સેટેલાઈટમાં સોમવારે નોંધાઈ છે. આરોપીઓએ સોનાના બિસ્કીટ આપી પૈસા લીધા બાદ હોલમાર્ક કરાવવાના બહાને બિસ્કીટ લઈ ગયા હતા. બાદમાં ડૉકટરને પૈસા કે સોનાના બિસ્કીટ પરત કર્યા ન હતા. 

જોધપુર ગામમાં રહેતાં અને નહેરૂનગર પાસે ગાંધી પાર્કમાં ક્લિનિક ધરાવતા ડૉ.બંસીલાલ દામોદરદાસ સાબુ (ઉં,૫૨)એ માણેકચોકમાં  જર્મન સિલ્વર માર્કના નામે સોના-ચાંદીનો વેપાર કરતા અને નહેરૂનગરના કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં ભરતભાઈ શાંતીલાલ સોની, તેની પત્ની મનિષાબહેન અને ભાઈ કિર્તીભાઈ શાંતીલાલ  સોની વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ આરોપીના પિતાની સારવાર ફરિયાદીને ત્યાં ચાલતી હોવાથી એકબીજા સાથે સારો પરિચય થયો હતો. બંસીલાલને સોનું ખરીદવું હોય તો ભરતભાઈ અને મનિષાબહેન સાથે વાત કરતા તેઓએ હોલમાર્કવાળા સોનાનો ભાવ ૫૯,૫૦૦ કહ્યો હતો. જે મુજબ ફરિયાદીએ રૂ.૫૯.૫૦ લાખની રકમ તેઓના બે માણસોને આપીને ભરતભાઈની માણેકચોક સ્થિત દૂકાને મોકલ્યા હતા. બે કલાક બાદ ભરતભાઈની પત્ની મનિષાબહેન અને ડૉ.બંસીલાલના બે માણસો પરત ક્લિનિક પર આવ્યા હતા.મનિષાબહેન સો-સો ગ્રામના દસ સોનાના બિસ્કીટ આપી તરત નીકળી ગયા હતા. ફરિયાદીએ જોયું તો સોનાના બિસ્કીટ હોલમાર્ક વગરના હતા. આ બાબતે ડૉકટરે હોલમાર્કની વાત કરતા ભરત સોનીએ હું તમને કરાવી આપીશ તેમ જણાવ્યું હતું. બાદમાં આરોપી ફરિયાદીના ત્યાંથી સોનાના દસ બિસ્કીટ હોલમાર્ક કરાવવા માટે લઈ ગયા બાદ પરત ફર્યો ન હતો. ફરિયાદીએ અવારનવાર ફોન કરતા આરોપીએ ફોન સ્વીચ ઓફ કર્યો હતો. આ ઉપરાંત તેના ભાઈ કિર્તીભાઈને ફોન કરતા તે પણ કેસ કરવાની ધમકી આપતો તેમજ આરોપીની પત્ની મનિષાબહેને પણ ધમકી આપી કે, તમે ક્લિનિક કેમ ચલાવો છો, જોંઉ છું. આમ, ત્રણે આરોપીએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી સાથે ઠગાઈ આચર્યાના આક્ષેપ મુજબ સેટેલાઈટ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.  

(6:51 pm IST)