Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ગાંધીનગરમાં સે-21માં પોલીસે બાતમીના આધારે છાપો મારી દારૂનો વેપલો ચલાવતા પિતા-પુત્રની ધરપકડ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ વધ્યું છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસે બાતમીના આધારે શહેરના વીઆઈપી એવા વિસ્તારની પાછળ બોરીજમાં દારૃનો વેપલો કરતા પિતા પુત્રના ઘરે દરોડો પાડયો હતો. જોકે ઘરમાંથી બિયરના ટીનના જથ્થા સાથે પુત્રને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે પિતા ફરાર થઈ ગયા હતા. આ મામલે દારૃનો જથ્થો આપી જનાર ગામના જ શખ્સ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં આમ તો દારૃબંધી છે પરંતુ પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. નાના મોટા બુટલેગરો દ્વારા જે તે વિસ્તારમાં જથ્થાને પહોંચાડીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર શહેર જિલ્લામાં પણ આ પ્રવૃત્તિ વધી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે સેક્ટર ૨૧ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બોરીજ ગામે જૈન મંદિરની પાછળ ઘંટી વાળા વાસમાં રહેતો મેહુલ અશોકજી ઠાકોર તેના ઘરે દારૃનો જથ્થો રાખીને વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને મેહુલ હાજર મળી આવ્યો હતો. તેના ઘરમાં તપાસ કરતા પ્લાસ્ટિકની બે થેલીમાં બિયરના ૧૪ જેટલા ટીન મળી આવ્યા હતા. જે સંદર્ભ પૂછપરછ કરતા આ જથ્થો તેના પિતા અશોકજી શકરાજી ઠાકોર ગામમાં જ રહેતા અમિત કનુજી ઠાકોર પાસેથી લાવ્યા હોવાનું અને પિતા પુત્ર સાથે જ તેનું વેચાણ કરતા હોવાનું કબૂલ કર્યું હતું. જેના પગલે પોલીસે તેની અટકાયત કરી હતી અને અશોકજી ઠાકોર તેમજ અમિત ઠાકોર સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે મથામણ શરૃ કરી હતી.

(6:59 pm IST)