Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સુરતમાં લોભામણી સ્કીમો બતાવી વેપારી સાથે 8.16 લાખની ઠગાઈ :બે આરોપીઓની ધરપકડ

ફેક વેબસાઈટ બનાવી ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવી છેતરપીંડી

સુરતમાં છેતરપિંડી આચરવાના ઇરાદાથી પહેલાંથી જ ફેક વેબસાઈટ બનાવી ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી વેપારી જોડે 8.16 લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાયબર ક્રાઈમ સેલમાં એક ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદમાં જણાવ્યાનુસાર, ફરિયાદીને વિશ્વાસમાં લઈ વેબસાઈટ ડેવલોપર સહિત દલાલે રૂપિયા 8.16 લાખની ઠગાઈ આચરી હતી. આરોપીઓ દ્વારા ફેક વેબસાઈટ બનાવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવી લોભામણી સ્કીમો વેપારીને બતાવવામાં આવી હતી.

  વિશ્વાસમાં આવી ગયેલા વેપારીએ વેબસાઈટ ડેવલોપર દિનુનાથ ગૌડ અને જમીન દલાલ સઈદ ખાન ઉર્ફે શેરા અહમદ ખાન પઠાણના કહેવા પર જુદી જુદી આઇડી પરથી બાયનાન્સ વોલેટમાં 8.91 લાખનું રોકાણ કર્યું હતું. શરૂમાં વેપારીને ફાયદો પણ કરાવી અપાવ્યો હતો. પરંતુ બાદમાં રોકાણ કરવામાં આવેલ કુલ 8.16 લાખ રૂપિયાની રકમ વીડ્રોલ કરવા દેવામાં આવી નહોતી. જેથી છેતરપીડીનો ભોગ બનેલા વેપારીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ આરોપીઓની વધુ તપાસ સાયબર ક્રાઈમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

(12:44 am IST)