Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકોના હિતમાં અનેક પગલાં ભર્યા છે : ભરત પંડ્યા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ:  ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોનાવાયરસ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકોના હિતમાં અનેક પગલાં ભર્યા છે, ભાજપા રાજ્યની સંવેદનશીલ રાજ્ય સરકારના આ અંગે કરેલા નિર્ણયોને આવકારે છે.

  પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોના મહામારીના કારણે શાળાઓ વાસ્તવિક રીતે બંધ થઈ તે સમયગાળાથી શરૂ કરીને શાળાઓ વાસ્તવિક રીતે પુન: શરૂ થાય તે સમયગાળા સુધી કોઈપણ પ્રકારની ટ્યુશન ફી કે ઈત્તર પ્રવૃત્તિની ફી પણ સ્વનિર્ભર શાળા વસૂલી શકશે નહીં, જો કોઈ વાલીએ એડવાન્સ ફી ભરી હશે તો સ્વનિર્ભર શાળાઓએ તેઓને આગામી સમયમાં ભરવાની થતી ફી સાથે વધારાની રકમ સરભર કરી આપવાની રહશે તેમજ રાજ્યની કોઇપણ શાળા ફી ન ભરવાના કારણે કોઈપણ વિદ્યાર્થીનું એડમિશન કૅન્સલ કરી શકશે નહીં તેમજ  શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈપણ શાળા પોતાની ફીમાં વધારો નહીં કરી શકે તેઓ નિર્ણય લીધો છે, જે રાજ્ય સરકારની વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સંવેદના દર્શાવે છે.             
   પંડ્યાએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યની  તમામ શાળાઓને ધોરણ ૫ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાયસેગ મારફતે વંદે ગુજરાત ચેનલ ઉપર થતા શૈક્ષણિક કાર્યક્રમો તેમજ તેના સમયપત્ર અંગે વિદ્યાર્થીઓને તેમજ ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અંગે પણ વાકેફ કરવાનો આદેશ કર્યો છે જેનાથી રાજ્યના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ઘરે બેઠા માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે.
    પંડ્યાએ જણાવ્યું હતું કે, ઇન્જેક્શનના કૌભાંડમાં આરોપીઓને તાત્કાલિક પકડીને સખત કાનૂની કાર્યવાહી દ્વારા રાજ્યની ભાજપા સરકારે કડક પગલાં લીધા છે, કોઈ પણ ઘટનામાં કોઈની પણ શેહશરમ રાખ્યા વગર ભાજપા સરકાર કાનૂની કાર્યવાહી કરે છે. ભાજપાની સરકાર કોઇપણ ઘટના કે બાબત પર પ્રજાલક્ષી નિર્ણય કે એક્શન લે છે ત્યારે જ કોંગ્રેસ કેમ આક્ષેપ કરે છે.કોંગ્રેસે ભાજપના પ્રજાલક્ષી નિર્ણયોની નિંદા કરવાના સ્થાને તેને પ્રજાલક્ષી નિર્ણયો આવકારવા જોઈએ.

(10:12 am IST)