Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

લોકડાઉન પછી નબળી માંગઃ ૨૦ ટકા જેટલી સ્પિનિંગ મિલો બંધ થાય તેવી શકયતા

૧૧૦ જેટલી મિલો ઉપર સંકટના વાદળોઃ મોટાભાગની મિલોમાં માલના ખડકલા

અમદાવાદ,તા.૨૩: લોકડાઉન બાદ સતત નબળી માંગના પગલે રાજ્યની સ્પિનીંગ મિલો મુશ્કેલીનો સામનો કરી રહી છે. અને ઉદ્યોગના સુત્રોના જણાવ્યા મુજબ લગભગ ૨૦ ટકા સ્પિનીંગ મિલો બંધ થવાની અથવા તો તેના મોટા હિસ્સાનું વેચાણ થવાની આશંકા સર્જાઇ છે. સ્થાનિક બજારમાં છેલ્લા થોડા દિવસથી યાર્નનની માંગમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલીક મિલો માટે લોકડાઉનના સમયથી મુશ્કેલી છે અને તેમના માટે કપરો સમય ચાલી રહ્યો છે.

સ્પિનર્સ એસોસિયેશન, ગુજરાત (એસએજી)ના પ્રમુખ સૌરિન પરીખે જણાવ્યું હતું કે, 'રાજ્યની ૧૧૦ જેટલી સ્પિનીંગ મિલો લોકડાઉનના સમયથી ઓછી માંગનો સામનો કરે છે અને હાલમાં લગભગ ૮૦ ટકા ક્ષમતા પર કાર્યરત છે. પરંતુ મોટાભાગની મિલોની ઇન્વેન્ટરી વધી રહી છે. લોકડાઉન દરમિયાન ઉત્પાદન બંધ થયું હતું અને લાંબા સમય સુધી મિલો ૫૦ ટકાથી પણ ઓછી ક્ષમતા પર ચાલી હતી અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ નહીં થવાથી ઘણુ મોટું નુકસાન થયું છે. ઉપરાંત ઓર્ડર્સનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો અને લોકડાઉન દરમિયાન યાર્ન અને કોટનના ભાવમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો હતો.'

ગુજરાત સરકારની પ્રોત્સાહક ટેકસ્ટાઇલ પોલીસીના પગલે રાજ્યમાં છેલ્લા એક દાયકામાં અત્યાધુનિક સ્પિનિંગ મિલો સ્થપાઇ છે અને પ્રત્યેક મિલમાં અંદાજે રૂ.૭૫-૧૦૦ કરોડ જેવું મોટુ રોકાણ થયું છે. સૌરિન પરીખે જણાવ્યું હતું કે, આટલા જંગી રોકાણ સાથે સ્થપાયેલી મિલોમાં ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ જ ના થાય તે સ્થિતીમાં વ્યાજખાધનું જ મોટું નુકસાન થાય એ સ્વાભાવિક છે. આગામી સમયમાં રાજ્યમાં આવી ૨૦ ટકા જેટલી સ્પિનિંગ મિલો બંધ થવાની અથવા તો તેના માલિકો પોતાનો હિસ્સો બીજાને વેચે તેવી આશંકા છે.ગુજરાતમાં ૪૦ લાખ સ્પિન્ડલની સ્થાપિત ક્ષમતા છે. અને સ્પિનિંગ મિલો લોકડાઉન અગાઉ દર મહિને લગભગ રૂા ૫૦૦૦ કરોોનું ટર્નઓવર કરતી હતી. એસોસિયેશનના મતે ૨૫,૦૦૦થી ૩૫,૦૦૦ સ્પિન્ડલની ક્ષમતા ધરાવતી મિલો હાલમાં મુશ્કેલીમાં છે.

જો કે, છેલ્લા થોડા દિવસોમાં સ્થાનિક બજારમાં વિવિંગ સેગમેન્ટ અને હોઝિયરીમાં યાર્નની માંગમાં સામાન્ય સુધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને તેના પગલે યાર્નના ભાવમાં પણ સાધારણ વધારો થયો છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી નવા ઓર્ડર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ વિદેશી માંગ હજુ પણ તળિયે જ છે.

(11:36 am IST)