Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વકિલોને કોરોના ગ્રહણ નડયુઃ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વડોદરામાં ધરણા કરનારા વકિલોની ટીંગાટોળીઃ અટકાયત

વડોદરા: ગુજરાતભરના વકીલોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. કોર્ટ બંધ હોવાથી વકીલોએ પોતાની આવક ગુમાવી છે. જુનિયર વકીલો અને કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે વડોદરાના વકીલોએ કોર્ટ શરૂ કરવા માંગ કરી છે. કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલો ધરણા પર બેસ્યા હતા. વકીલોએ કોર્ટના સંકુલ બહાર જ મોરચો માંડ્યો હતો. ધરણા કરીને તંત્રને રજુઆત છતાં કોર્ટ શરૂ ન કરાતા વકીલોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે ધરણાં પર બેઠેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે વકીલોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. ધરણાં પર બેઠેલા અંદાજે સાત વકીલોની ગોત્રી પોલીસે અટકાયત કરી હતી.

પુનઃ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વડોદરા કોર્ટ સંકુલ બહાર ધરણા પર બેઠેલા વકીલોની ગોત્રી પોલીસે અટકાયત કરતા માહોલ ગરમાયો હતો. કોરોના વાઇરસના કહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અનલોક 1 અને અનલોક 2 માં સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓને છૂટ આપવામાં આવી છે. પરંતુ આશરે 4 મહિના થઈ ગયા હોવા છતાં કોર્ટ ફરી શરૂ ન કરતા જુનિયર વકીલો તેમજ કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. વડોદરાના વકીલો કોર્ટ પુનઃ શરૂ કરવાની માંગ સાથે આજે કોર્ટ સંકુલ બહાર ધરણા પર બેઠા હતા. ત્યારે પોલીસ અને વકીલો વચ્ચે ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. ગોત્રી પોલીસે આશરે 7 જેટલા વકીલોની અટકાયત કરી હતી.

વડોદરા કોર્ટની વાત કરીએ તો, કોર્ટ માં આશરે ચાર હજાર વકીલો મુલાકાત લે છે. જેમાના ત્રણ હજાર વકીલો પ્રેક્ટિસ કરે છે. હાલ કોર્ટમાં ફક્ત ખૂબ મહત્વના કેસોનું જ ઈ-હિયરિંગ થાય છે. ત્યારે આશરે ચાર મહિનાથી કોર્ટ કાર્ય બંધ હોવાથી ફિઝિકલ હિયરિંગ થતું નથી. જેના કારણે વકીલો સહિત તેમના ગ્રાહકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે બરોડા બાર એસોસિએશન દ્વારા સરકારને અનેક વાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિવેડો ન આવતા આખરે વકીલોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

(5:21 pm IST)