Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

માતાના નિધનના ત્રીજા દિવસે ફરજ ઉપર હાજર સુરત મનપાના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલા

‘બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા, ફરજ નિભાવી લોકોની સેવા કરજે’: માતાની શીખ

સુરતઃ સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે એક એવા કોરોના યોદ્ધા જેમણે જન્મદાતાના અવસાનની દુ:ખદ પળો, આઘાત અને શોકને હ્રદયમાં દબાવી દઈ માતાની અંતિમક્રિયા, તર્પણની વિધિ પૂર્ણ કરી ત્રીજા દિવસે ફરજ પર હાજર થઈ કર્તવ્યનિષ્ઠાનું ઉધાહરણ પૂરૂ પાડ્યું છે.સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ માં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવતા દિનેશચંદ્ર મણિલાલ જરીવાલા, જેમને સાચા અર્થમાં કોરોના યોદ્ધાની ભુમિકાને સાર્થક કરતાં પરિવાર પર આવેલી દુ:ખભરી ક્ષણોમાં પણ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે.

પોતાના અંગત જીવન અને પારિવારિક વ્યવહારોની પરવા કર્યા વિના કોરોના સામે જંગ લડી રહેલાં તબીબો, નર્સો, આરોગ્યકર્મીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો કોરોના વોરિયર બનીને દેશને કોરોનાથી સુરક્ષિત રાખવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સામે બાથ ભીડનારા હજારો-લાખો કોરોના વોરિયર્સ સમાજમાં આદરપાત્ર બન્યા છે. ત્યારે દિનેશચંદ્ર જરીવાલાએ કર્તવ્યપરાયણતાની મિશાલ રજૂ કરી છે. એ દરેક વ્યક્તિ માટે ઉદાહરણરૂપ છે.

કોરોના મહામારી વચ્ચે આપણી આસપાસ કોરોના સામે દિવસરાત એક કરીને નિ:સ્વાર્થભાવે-પ્રામાણિકપણે લડનારા અનેક કર્મયોગીઓ છે, દિનેશચન્દ્રએ જણાવ્યું હતું કે, માતાના મૃત્યુનું દુઃખ થવું સ્વાભાવિક છે, સુરતવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવાં મદદરૂપ બનવું એ પ્રાથિમક ફરજ છે.હાલના કસોટીના સમયમાં લોકોની સેવા કરવી એને હું મારૂ કર્તવ્ય ગણું છું. હું પૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી કોરોના સામેની લડાઈમાં યોગદાન આપીશ અને એ જ મારા માટે માતાને સાચી શ્રદ્ધાંજલિ છે.

માતા કાંતાબેનના છેલ્લાં શબ્દોને યાદ કરતા દિનેશચંદ્ર જરીવાલાની આંખો ભીની થઈ જાય છે, તેઓ કહે છે કે, ‘માતાએ અવસાનના થોડા દિવસો આગાઉ જ મને કહ્યું હતું કે, ‘બેટા, હું મૃત્યુ પામુ તો પણ તું મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવજે, અને લોકોની સેવા કરજે. પછી ઘરપરિવારનું વિચારજે..’ માતાના આ શબ્દો અને પ્રેરણાનું મેં પાલન કરીને તર્પણ વિધિ પૂરી કરી ફરજ પર હાજર થયો છું.

જરીવાલાની હાલની પરિસ્થિતિના કારણે જવાબદારીમાં પણ વધારો થયો છે. ઝોનમાં સફાઈ કામગીરી, ડોર ટુ ડોર સર્વેલન્સ, કોવિડ સામે ધન્વંતરિ રથ અને આરોગ્યલક્ષી કામગીરી, આસપાસના વિસ્તારમાં કોરોના કેસનું પ્રમાણ વધુ હોય ત્યાં સાથીકર્મચારીઓ સાથે માઈક્રોપ્લાનિંગ જેવી અનેકવિધ કામગીરી સંભાળીને ફરજને ન્યાય આપી રહયા છે. જરીવાલાએ માતા સાથેના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યુ કે, ‘મારે એક તરફ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા અપાયેલી જવાબદારી સંભાળવાની હતી અને બીજી તરફ મારી માતાને 8જુલાઈના રોજ વાયરલ ન્યુમોનિયા થયો હતો. એમનું ઓક્સિજન લેવલ ઓછું થતા રતનદિપ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ 16 જુલાઈના રોજ 76 વર્ષની વયે માતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.,

(7:01 pm IST)