Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભારતીય સંસ્કૃતિના પાયાના સત્ શાસ્ત્રોનો આભ્યાસ કરાવતું SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય જ્યાં ૧૮૦ ઉપરાંત ઋષિકુમારો અને સંતો નિઃશુલ્ક રીતે અભ્યાસ કરી રહ્યા છે

અમદાવાદ તા.૨૩ શા.માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને જ્યાં વેદ, દર્શન શાસ્ત્રો, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, વેદાન્ત વગેરેના અભ્યાસ સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટરનો તેમજ સંસ્કૃતનો અભ્યાસ થઇ રહેલ છે, એવા SGVPશ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હાલ ૧૮૦ ઉપરાંત ઋષિકુમારો અને સંતો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. ખાસ વિશેષતા એ છે કે આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદથી માંડીને આચાર્ય (એમ.એ.)પી.એચડી સુધીમાં અભ્યાસ કરતા તમામ ઋષિકુમારો અને સંતો નિઃશુલ્ક રીતે અભ્યાસ કરે છે. આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત શાસ્ત્રોના અભ્યાસ અને સત્સંગ સભર સાધુ જીવનના ઘડતર માટે ગુજરાતના વિવિધ ધર્મસ્થાનો જેવા કે વડતાલ, જુનાગઢ, ગઢપુર, સાળંગપુર વગેરે ધર્મસ્થાનોમાંથી વિદ્યાર્થી સંતો અભ્યાસ કરવા આવે છે.

     સાધુજીવન ખરા અર્થમાં સમર્પિત જીવન છે. વ્યક્તિગત એષણાઓથી ઉપર ઉઠીને ભગવાન શ્રી સ્વામિનારાયણે બતાવેલ પરમહંસના પથ પર સંતો પગલાં માંડી રહ્યા છે ત્યારે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય યુવાન સંતોના આંતર અને બાહ્ય ઘડતર કરી રહેલ છે. અહીં સાધના માટે સાધુ થયેલ સંતોને જીવનલક્ષી તાલીમ અપાઇ રહી છે. આનાથી વિકસતા વિજ્ઞાન અને વિશ્વ સાથે કદમ મિલાવી સંત જીવનની સાચી પરંપરા જળવાઇ રહી છે. કરોડોના મંદિરો બનશે પણ એ મંદિરોમાં સત્સંગના જતન માટે જો સમર્પિત સંતો જ નહીં હોય તો મંદિરો ભવિષ્યમાં સરકારી સ્મારકો બની રહેશે. માટે સંતોને તૈયાર કરવામાં આવે છે.

અહી શાસ્ત્રી-આચાર્ય ડીગ્રી કોર્સમાં વ્યાકરણ, ન્યાય, વેદાન્ત, મિમાંસા, ઉપનિષદ, ગીતા, શ્રીમદ્ ભાગવત, સત્સંગીજીવન, રામાનુજ વેદાન્ત શિક્ષાપત્રી, વગેરે શાસ્ત્રોનો અભ્યાસ થઇ રહેલ છે. જેમાં જ્ઞાન, કર્મ, ઉપાસના અને વિજ્ઞાન સહિત સંપૂર્ણ જ્ઞાન રહેલ છે તે વેદોની રક્ષા કરવાની ભારતીયોની ખાસ ફરજ છે. સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે નાના ઋષિકુમારોને ઋગ્વેદ, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદનું પરંપરાગત શિક્ષણ અપાઇ રહેલ છે. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયને ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા માન્યતા મળેલ છે, ઉપરાંત ઉજજૈન સ્થિત મહર્ષિ સાંદીપનિ વેદવિદ્યા પ્રતિષ્ઠાનમ્ દ્વારા વેદાધ્યયન ચાલે છે. સાથે સાથે સોમનાથ સંસ્કૃત યુનિ., માન્ય શાસ્ત્રી તેમજ આચાર્ય કક્ષા સુધીનો અબ્યાસક્રમ ચાલે છે.

દર વરસે કેન્દ્ર સરકાર સંચાલિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્રારા સંસ્કૃત શાસ્ત્રોની સ્પર્ધા યોજાય છે. જેમા દર્શનના ઋષિકુમારો અને સંતો રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે અગ્રતા ક્રમ પ્રાપ્ત કરે છે. મેલકોટ (કર્ણાટક)ના વતની વિદ્વાન શ્રી રામપ્રિયજી, જેઓ દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તીર્થરાજ યદુગિરિ મેલકોટના તિરુનારાયણ મંદિરના રામાનુજ પરંપરાના પુજારી અને મુર્ધન્ય ન્યાયાચાર્ય અને વેદાન્તાચાર્ય છે. દરરોજ સંતોનો તથા ઋષિકુમારોને નિયમિત ઉપનિષદોના પાઠ લે છે. ઉપરાંત ઓરિસ્સાના અર્જુનાચાર્ય, કર્ણાટકના લક્ષ્મીનારાયણજી, શાસ્ત્રી યોગેશજી, શાસ્ત્રી ભગીરથજી, શાસ્ત્રી જોષી ઉપનિષદોના પાઠ લે છે. ચિંતનજી, ડો.સુભાષજી વગેરે સંસ્કૃતનો અભ્યાસ કરાવી રહ્યા છે.

(12:24 pm IST)