Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ગરબી હોય કે ગરબા, એક જ સાદ... કુમકુમના પગલાં પડ્‍યા, માડીના હેત ઢળ્‍યા...

નવરાત્રી એ તન, મન અને અર્થતંત્રને ઊર્જા આપતું એન્‍જિન છે : જગતજનની મા જગદંબાનું હેત વરસશે ને ચારેકોર ફરી ખુશહાલી છવાઈ જશે

નવરાત્રીએ માત્ર ગુજરાત, ભારત અને વિશ્વ સમસ્‍તને ઉર્જા આપતું એન્‍જિન છે. આદ્યશક્‍તિ મા અંબા કહો, જગદંબા કહો... શક્‍તિસ્‍વરૂપની પૂજાના આ અવસરે એવું દૈદિપ્‍યમાન વાતાવરણ સર્જાય છે કે માનવ માત્રના તન, મનમાંથી નકારાત્‍મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્‍મક શક્‍તિનો સંચાર થાય છે. નવરાત્રીની એક-એક પણ એક-એક ક્ષણને સહુ કોઈ મનથી જીવે છે. જગતજનનીની આરાધના સાથે જ આધિ, વ્‍યાધિ અને ઉપાધિ જાણે ગાયબ થઈ જાય છે. વૈશ્વિક તહેવાર બની ચૂકેલી નવરાત્રીમાં શક્‍તિ ઉપાસના સાથે ઉમંગના ઓવારણાં લેવાય છે. ઘર-ઘરમાં આનંદોચ્‍છવ આવ્‍યો હોય તેવો અહેસાસ થવા લાગે છે. નવરાત્રીની ઉજવણીની સાથોસાથ જ પંદર દિવસ આવનારાં ગુજરાતી નવા વર્ષની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગણેશોત્‍સવમાં વિઘ્‍નહર્તાના સ્‍થાપન અને વિદાયથી શરૂ થતી પર્વમાળામાં ઉમંગ આભને આંબવા લાગે છે અને તેની અસર જનમાનસ અને બજારો સુધી થાય છે. કહેવાય છે કે, આ પર્વમાળા દરમિયાન આખા વર્ષનો વેપાર થઈ જાય છે. આ કારણે જ નવરાત્રીએ માનવ માત્ર નહીં અર્થતંત્ર માટે ઊર્જાનું એન્‍જિન બની રહે છે.

નવ શક્‍તિ સ્‍વરૂપની આરાધનાથી અપારશકિતનો અહેસાસ

નવરાત્રીના પાવન પર્વની સોમવારથી શરૂઆત થઈ રહી છે. આ નવ દિવસોમાં માતાજીના નવ સ્‍વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૃષ્‍ણામાડા, સ્‍કંદમાતા, કાત્‍યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી અવતારની પૂજા, અર્ચના કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન મા શક્‍તિની આરાધના કરવાથી અપારશક્‍તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ મહાકાલીના વિવિધ સ્‍વરૂપની ઉપાસના કરવામાં આવે છે તેનાથી દુર્ગુણો અને આસુરી વૃત્તિનો નાશ થાય છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા નોરતે મહાલક્ષ્મીના સ્‍વરૂપોનું પૂજન થાય છે જે સાત્‍વિક શકિતની તુષ્ટિ અને પુષ્ટિ કરે છે. નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ મા સરસ્‍વતીના ત્રણ સ્‍વરૂપના પૂજનથી સત્‌ ચિત્‌ આનંદની અનુભૂતિ થાય છે. લોકો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. સહુ કોઈ માટે પરીક્ષાના બે વર્ષ પછી માતાજીની અસીમ કૃપા વરસવાની છે અને ચારેકોર ખુશીનો માહોલ છવાઈ રહ્યાનો અહેસાસ થવા લાગ્‍યો છે.

દેવોએ મહિષાસુર વધ માટે દૈવીશકિતની આરાધના કરી

પૌરાણિક કથા અનુસાર રાક્ષસ મહિષાસુરે ઘોર તપસ્‍યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને એવું વરદાન મેળવ્‍યું કે તે કોઇપણ નર જાતિના શષાથી મૃત્‍યું ન પામી શકે. આ વરદાન મેળવ્‍યાં બાદ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. દેવોને હરાવી દીધા અને ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. બધાં ગભરાઈ ગયાં અને ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દૈવી શક્‍તિની આરાધના કરવા માટે કહ્યું અને જણાવ્‍યું કે, આ મુસીબતમાંથી તમને દૈવી શકિત જ ઉગારી શકે તેમ છે. બધા દેવોએ દૈવી શક્‍તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. દૈવી શકિતએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્‍ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દૈવી શક્‍તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખવામાં આવે છે.

દેવી સ્‍તુતિની પરંપરાનો પ્રાણ છે પ્રાચીન ગરબી

ગામડાંમાં અનાજ પાકી જાય ત્‍યારે ગ્રામ્‍ય પ્રજા દેવી દેવતાની સ્‍તુતિ કરીને આભાર વ્‍યક્‍ત કરતી હતી. આમાંથી જ લોક સંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્‍વરૂપ એટલે આજના ગરબા, નૃત્‍ય, જૂની પરંપરામાં રાસ, દાંડીયા રાસ, ગોફ, મટકી, ટીપ્‍પણી વિગેરે પ્રકારો આવ્‍યા હતાં. ગરબા બે જ હોય એક પ્રાચીન અને બીજો આજનો અર્વાચીન. ૧૭૨૧માં ભાણદાસજીએ રચેલી ગરબી અને ઇ.સ.૧૭૮૦માં વલ્લભ મેવાડાએ ગરબો રચેલો હતો. કાણાવાળી મટકીની અંદર જયોત મુકીને દિવાઓને પણ ગરબો કહે અને નવરાત્રી માં માતાજીની સ્‍તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબો કહે છે. જૂના જમાનાથી ચાલી આવતી પ્રાચીન ગરબીઓ આજે પણ ઓલ ટાઇમ ફેવરીટ હોય છે. ઘણા શહેરો-ગામડાંઓમાં છેલ્લાં ૧૦૦ કે ૧૫૦ વર્ષથી ગરબી યોજાય છે. તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્‍ય અને વર્તુળ એ તાલી રાસના મુખ્‍ય અંગ છે. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને ચપટી સાથે તાલી અને ઠેસના વિવિધ પ્રકારો પ્રચલિત છે. સૈરાષ્ટ્રના લોકજીવનમાં પુરૂષો રાસ અનેસ્ત્રીઓ રાસડા લે છે તેવા પ્રકારો છે. તો રાજકોટની અમુક ગરબીમાં બાલિકાઓની કોઠાસૂઝ દર્શાવતા ટીપ્‍પણી રાસ, અઠંગા અને સોળંગા રાસ જોવા માટે લોકોની ભીડ ઉમટે છે.

 પુરૂષો ગાય એ ગરબી અને મહિલાઓ ગાય એ ગરબા

બહુ ઓછા લોકો જાણતા હશે પણ ગુજરાતી ગરબા પર પંચાવન વર્ષ રિસર્ચ કરનાર ડો. જગદીશ પંડ્‍યાના મત અનુસાર- મહિલાઓ ગાય એ ગરબા, અને પુરૂષો ગાય એ ગરબી. ત્રેતાયુગમાં મંડલાકાર સ્‍વરૂપે ગરબાનું વર્ણન મળે છે. દ્વાપરયુગમાં પણ ગરબા હતા અને દેવ-દેવીઓની કલા તરીકે પ્રચલિત ગરબા ધીમે-ધીમે આપણી પાસે પહેલાં ગાયન, પછી વાદન અને પછી નૃત્‍ય એમ જુદા-જુદા સ્‍વરૂપે પરિવર્તિત થતા ગયા. બેઠા ગરબાથી શેરી ગરબા અને આજે તો બહુ જ મોટા ઉત્‍સવ તરીકે એને જોવાય છે. ‘ગરબા'ની સામાન્‍ય વ્‍યાખ્‍યા કરીએ તો ‘ગ'એટલે ગાવું, ‘ર' એટલે રમવું અને ‘બ' એટલે બોલવું. ગરબા માટે ગૌરવ જાગે એવો રળિયામણો અને જાજરમાન ઇતિહાસ આજની પેઢીએ પણ સમજવા જેવો છે. સમય સાથે ગરબાનું સ્‍વરૂપ બદલાયું છે. ગામના ચોકમાં નાનકડી ગરબી ફરતે રાસ લેવાય. નવરાત્રીનું સર્કલ ત્‍યાં જ પુરૂં થઈ જતું હતું. હવે એવું નથી. આજની તારીખે રાજકોટ જેવું મહાનગર હોય કે નાના શહેર કે ગામ, હજુ નાનકડી બાળાઓ આદ્યશકિતને આરાધના કરતી હોય તેવી ગરબીઓ આપણી સંસ્‍કૃતિની ખરી ઓળખ છે.

 ગરબા હોય કે ગરબી, લોકગીતો અને ગરબા મનને ઝૂમાવશે

નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા હોય ગરબી, બધે જ આદ્યશકિતની આરાધનાનું ગાન થશે. સાથે જ આપણાં લોકસાહિત્‍યના પડઘમ એવા લોકગીતો અને ગરબા પણ તન-મનથી થિરકવા માટે મજબૂર કરી દેશે. મા અંબા અભયપદ દાયિની રે, કેસરિયો રંગ લાગ્‍યો, રંગ તાળી રે રંગમાં, અમે મહિયારા રે, કુમ કુમનાં પગલાં પડ્‍યાં કે ઓ રંગ રસિયા જેવા લોકગીત કે પ્રાચીન ગરબા ચહેરા પર સ્‍માઇલ લાવે છે અને એટલે જ આપણાં ટ્રેડિશનલ ગરબા આજીવન તાજગીની સંજીવની છે. ટ્રેડિશનલ ગરબાનો ચાર્મ ક્‍યારેય ઓછો થવાનો નથી. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, અંબા જોઈએ તમારી વાટ, વહેલાં આવોને મોરી માત, ઢો રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા રંગે રમે, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, ઢોલીડા ઢોલ ધીમો વગાડ ના રઢિયાળી રાતડીનો રંગ જોજે જાય ના, મહીસાગરને આરે ઢોલ વાગે છે, મારૂં મન મોર બની થનગાટ કરે જેવા લોકગીત અને લોકગીતો આપણી જીવનચર્યાને વેગીલી બનાવતું અમૃત બની નવરાત્રી દરમિયાન નસ-નસમાં વહે છે. જાણીતા લોકગાયકો કહે છે કે, પ્રાચીન ગરબા માણવા હોય તો એનાં વાજિંત્રો પણ દેશી ઢબનાં હોય ત્‍યારે એનો લય જળવાતો હોય છે. આપણે જે ટ્રેડિશનલ ગરબા ગાઈએ છીએ એનો અસ્‍તકાળ કયારેય આવવાનો નથી, એ શક્‍ય જ નથી. ગમે એવી બીટ પર નાચનારા ખેલૈયાઓ જયારે ટ્રેડિશનલ ગરબા સાંભળે ત્‍યારે આપમેળે લિપસિંગ કરવા માંડતા હોય છે.

  નવરાત્રી એટલે અર્થતંત્રને વેગીલું બનાવતું દમદાર એન્‍જિન

નવરાત્રી અર્થતંત્રને ધક્કો મારનારૂં મહત્ત્વનું એન્‍જિન પણ બની છે. નવરાત્રીના મહિના પહેલાથી જ પાર્ટી પ્‍લોટ્‍સના બૂકિંગ, ગાયકોના બૂકિંગ, ઓરકેસ્‍ટ્રાનું આયોજન, સેલિબ્રિટીને આમંત્રણ, ગરબાના સ્‍ટેપ્‍સ શીખવાના કલાસિસ, પાસનું વિતરણ, લગભગ એક સરખા જ ગીતો ધરાવતી સીડી-કેસેટનું વિતરણ, ઈનામી વ્‍યવસ્‍થા.. એવી તો અનેક ચીજો નવરાત્રી સાથે જોડાઈ ગઈ છે અને દર વર્ષે વધુને વધુ પાસાં જોડાતા જાય છે. આજના યુવકો અને યુવતીઓ નવરાત્રીમાં પોતાની સાજ-સજાવટ માટે મોટા ખર્ચે તૈયારી કરે છે, ખાસ બજેટ પણ ફાળવે છે. પાર્ટી પ્‍લોટ દ્વારા મોટેપાયે થતા આયોજનોની અનોખી લોકપ્રિયતા છે. કેમ કે નવરાત્રી માણવા ઈચ્‍છતા મોટા ભાગના યુવક-યુવતીઓ પાર્ટી પ્‍લોટ તરફ જ ઊમટી પડે છે. યુવતીઓ નવ દિવસ અલગ અલગ સ્‍ટાઈલની ચણિયા-ચોલી, ઓક્‍સોડાઈઝ જવેલરી અને મેકઅપ પાછળ ધૂમ ખર્ચ કરે છે. તો યુવકો ટ્રેડિશનલ ઝભ્‍ભા, કેડિયા-કૂર્તા જેવા વષા પરિધાન પાછળ ખિસ્‍સાં ખૂલ્લા મુકે છે. હવે તો, બેકલેસ સાથે પીઠ, ગરદન, બાવડા, ખભા કે કમર પર ટેટૂ લગાવવાની તેમજ વોટરપ્રૂફ મેકઅપની ફેશન પાછળ પણ યુવા વર્ગ ખર્ચની ચિંતા કરતો નથી. હેર સ્‍ટાઈલથી માંડી ઓર્નામેન્‍ટસ અને ચપ્‍પલની પસંદગીમાં પણ પાણીની જેમ પૈસા વહે છે. પરિવાર કે ફ્રેન્‍ડ સર્કલ સાથે નવરાત્રીની ઉજવણીમાં નાસ્‍તાની જયાફત એવી ઉડે કે ખાણી-પીણીનું ટર્નઓવર કરોડોમાં પહોંચે છે. નવરાત્રી એટલે નવ દિવસનો બજારોત્‍સવ એમ કહેવામાં પણ અતિશયોક્‍તિ નથી જ. રંગીલા રાજકોટવાસીઓ નવરાત્રીની ખરીદી માટે અમદાવાદ, વડોદરા સુધી પણ જઈને વેરાયટી ઇન્‍ડો-વેસ્‍ટર્ન સ્‍ટાઇલના પહેરવેશ લાવે છે. કોસ્‍યૂમ એ નવરાત્રીની ઉજવણીમાં ઉમંગ સાથે વિવિધતાના રંગ ભરી દે છે. રંગીલા રાજકોટમાં નવરાત્રીની તૈયારીમાં માટીના ગરબા પણ મોખરે હોય છે.  બજારમાં માટી સાથે ચાંદી તેમજ પીત્તળના ગરબા પણ મળે છે ત્‍યારે આ વર્ષે માટીના ગરબામાં જ દ્યણી ડિઝાઈન્‍સ અને વેરાયટી ઉપલબ્‍ધ છે. કલરના પેઈન્‍ટ સાથે, હિરા, તેમજ વિવિધ ડેકોરેટીવ વસ્‍તુઓ સાથે બનાવવામાં આવતા ગરબા માટે ગ્રાહકોમાં પણ એક અનેરો ઉત્‍સાહ જોવા મળે છે.

  વડાપ્રધાન મોદી કહે છે- નવરાત્રી સૌથી મોટો ઉત્‍સવ છે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી નવરાત્રીને વિશ્વનો સૌથી મોટો ઉત્‍સવ કહેતાં આવ્‍યાં છે. મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતાં ત્‍યારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર સહિતના મહાનગરોમાં નવરાત્રી મહોત્‍સવના સરકારી આયોજનો થતાં રહ્યાં છે. જાણીતા કલાકારો અને ઓરકેસ્‍ટ્રા સાથે યુવાધન મન મુકીને ગુજરાતની ગરબા કલાને જીવંત બનાવે છે. હવે તો ગુજરાતનો ગરબો વૈશ્વિક બની ચૂક્‍યો છે. અમેરિકા હોય, ઓસ્‍ટ્રેલિયા, કેનેડા કે વિશ્વનો કોઈપણ દેશ જયાં જયાં વસે ગુજરાતી ત્‍યાં ત્‍યાં આદ્યશક્‍તિ અંબા, જગતજનની જગદંબાનો નાદ અચૂક સંભળાય જ.

નવરાત્રી નવલા દિવસોના આરંભે આદ્યશક્‍તિને નમન.

યા દેવી સર્વ ભૂતેષુ શક્‍તિરૂપેણ સંસ્‍થિતા

નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

સંકલનઃ હેમાંગિની ભાવસાર

અમદાવાદ, મો.૯૯૭૯૨૨૮૦૨૯

(3:50 pm IST)