Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મોટાપાયે નાઈટ કોમ્બિંગ:એકDYSP, 8 PI ,11 પીએસઆઈ સહિત 100થી વધુ પોલીસકર્મી જોડાયા

પોલીસની ટીમોએ મોટર સાયકલ સહિત ફોરવીલ ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું ; 53 વાહનો જપ્ત, જાહેરનામાં ભંગના 28 , પ્રોહીબિશનના 16 કેસ અને 110 બી રોલ ભરાયા

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા મોટાપાયે નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે કોમ્બિંગમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. વાહનો, પ્રોહીબિશન, જાહેરનામા ભંગ અને આધાર પુરાવા વગર રહેતા લોકો સામે કેસ કરાયા હતા.

ભરૂચ જિલ્લામાં વધી રહેલ ચોરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ભરૂચ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે દ્વારા અંકલેશ્વરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મીરાનગર શાંતિનગર જેવા વિસ્તારમાં રાતે નાઈટ કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ સર્ચ ઓપરેશનમાં ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલની સૂચનાઓને પગલે 1 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને અને 11 પીએસઆઈ સહિત 100 થી વધુ પોલીસકર્મી જોડાયા હતા. પોલીસની ટીમોએ મોટર સાયકલ સહિત ફોરવીલ ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા સારંગપુર, મીરાનગર અને ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં હાથ ધરાયેલ કોમ્બિંગમાં ડોક્યુમેન્ટ વિનાના 53 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જાહેરનામાં ભંગના 28 કેસ, પ્રોહીબિશનના 16 કેસ અને 110 બી રોલ ભરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો આ વિસ્તારમાં પરપ્રાંતીયોની સંખ્યા મોટી સંખ્યામાં હોવા સાથે ભૂતકાળમાં લુંટ, ધાડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓએ આ વિસ્તારમાં જ આશરો લીધો હતો. પોલીસે કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના નહી બને તે માટે જ મેગા નાઈટ કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું લાગી રહ્યું છે.

(9:00 pm IST)