Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ગોધરાના નિવૃત શિક્ષક પાસેથી ૨૭ લાખની ઠગાઈ બે નાઈઝિરિયન સહીત ત્રણને દિલ્હીથી ઝડપી લીધા

ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દિલ્હી ખાતેથી ગુપ્ત ઓપરેશન હાથ ધરી ઝડપી લેવાયા

ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગોધરાના એક નિવૃત શિક્ષક સાથે ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ દ્વારા મિત્ર બનાવીને વિદેશ માંથી મોંઘી ગિફ્ટ મોકલવાના અને અમેરિકન ડોલર બનાવી આપવા માટેની વિવિધ તરકીબોમાં અંદાઝે ૨૭ લાખ રૂપિયાની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ નાઈઝીરિયન ગેંગના ૨ અને એક દિલ્હીના ભેજાબાજને દિલ્હી ખાતેથી ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડવામાં આવતા આંતર રાજય ગુન્હાઓ બહાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ગોધરા ખાતે રામસાગર તળાવ પાસે વિઠ્ઠલ મંદિર ખાતે રહેતા નિવૃત શિક્ષક શ્રીપાદ મુરલીધર સરપોતદારના ફેસબુક એકાઉન્ટ ઉપર શોફિયા કેમરોન નામની અજાણી વ્યક્તિએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવ્યા બાદ મારે તમને સુંદર ગિફ્ટ મોકલવી છે આ જણાવીને કુરિયર પાર્સલની પહોંચ મોકલ્યા બાદ પાર્સલ છોડાવવા માટે કસ્ટમ ક્લિયરન્સ, મની લોન્ડ્રિંગ માંથી સર્ટિફિકેટ તથા તમારી ગિફ્ટનું પાર્સલ મુકવા માટે બ્રિટીશ સિક્યુરિટીના માણસ તમારા ઘરે આવશે આ જણાવીને ભેજાબાજોએ સૌપ્રથમ નિવૃત શિક્ષક પાસેથી અંદાઝે ₹ ૩ લાખ અલગ અલગ બેન્ક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ તા.૮-૧૦-૨૦૨૧ ના રોજ મોડીરાત્રે અરીહંત ટ્રાવેલ્સના નામે એક ટ્રોલી બેગ સાથે આવેલ એક વિદેશી ચહેરાએ આ ટ્રોલી બેગમાં પૈસા ભરેલા છે અને એમાંથી કેમીકલ વોશ કરીને અમેરીકન ડોલર બનાવવાના છે.

પરંતુ અત્યારે કેમીકલ ખલાસ થઈ ગયું છે જેથી ટ્રોલી બેગ ખોલશો નહિ આ જણાવીને રવાના થઈ ગયો હતો.!! ત્યારબાદ આ ભેજાબાજોએ મહિલા મિત્રની આ વાતચીતોમાં અમેરીકન ડોલર બનાવવાના કેમીકલના પ્રોસેસિંગના લોભામણી ઓફરોમાં નિવૃત શિક્ષક, તેઓના ધર્મપત્ની તથા સંતાનોના બેન્ક ખાતાઓ માંથી તબક્કાવાર અંદાઝે ₹ ૨૭ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાના ગુન્હાની તપાસ ગોધરા રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એન. પરમારે સંભાળીને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા આ ભેજાબાજ ગેંગ દિલ્હી ખાતે રહેતી હોવાનું સર્વેલન્સના અભ્યાસમાં બહાર આવતા વાયરલેસ શાખાના પી.એસ.આઈ.આર.એ.સાઠીયા તથા પોલીસ કર્મચારીઓની એક ટીમ સાથે પી.આઈ.જે.એન. પરમાર ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ ખાતે ગુપ્ત વોચ ગોઠવીને આ ગુન્હામાં સંડોવાયેલ નાઈઝીરિયન ગેંગના બે આરોપીઓ ની ધરપકડ કરીને ૧૧ મોબાઈલ ફોનો કબ્જે કરીને ગોધરા ખાતે લાવ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સત્તાધીશો દ્વારા કાયદેસર તપાસ શરૂ કરવામાં આવી છે

(9:35 am IST)