Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોઇ કેટલાક પેઇડ પ્રચારકોના ભાવ વધ્‍યા

ચૂંટણીમાં ઉધારી નહીં, રોજિંદા મહેનતાણાની ચુકવણી : બેનર બાંધવા કે પ્રચારમાં પગપાળા જોડાનારા પ્રચારકોનો ભાવ રૂપિયા ૫૦૦ થયો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી રૂપે લોકશાહીના પર્વની ઉત્‍સાહભેર ઉજવણી થઈ રહી છે. ચૂંટણીમાં ઊભા રહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો યેનકેન પ્રકારે વિજય મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ અસરકારક પ્રચારમાં પાયાના કાર્યકરોની સંખ્‍યા હવેની ચૂંટણીઓમાં ઓછી વર્તાઈ રહી છે.

વિધાનસભા બેઠકના ઉમેરવારો જનસભા, પગપાળા પ્રચાર અને રેલીના આયોજનોમાં સમર્થકોની સંખ્‍યા વધારવા પેઇડ પ્રચારકોનો સહારો લઈ રહ્યા છે. આ પેઇડ પ્રચારકોના ભાવ રૂ. ૩૦૦થી વધી રૂ. ૫૦૦ સુધી પહોંચ્‍યા છે. આ રકમ ઉમેદવારોના કન્‍વીનરો હવે રોજિંદા ચુકવણી કરી રહ્યા છે.

ચૂંટણીના પ્રચારમાં અમુક પદાધિકારીઓ અને પાયાના કાર્યકરો જોડાય છે. જેઓ સતત પંદરથી વીસ દિવસ સુધી નોકરી કે ધંધો છોડીને રાજકીય પક્ષોના ઉમેદવારો સાથે જોડાય છે. પરંતુ જનસભા, રેલી અને ડોર ટુ ડોર પ્રચારમાં ઝંડા અને ખેસ ખભે નાંખીને ફરનારાઓની સંખ્‍યા ઓછી થઈ રહી છે. ત્‍યારે ઉમેદવારો સાથે સતત ચૂંટણી પ્રચારથી લઇને મતદાન મથકો સુધી લઈ જવા માટે અમુક ખાસ માણસો અને ઇવેન્‍ટના પેઇડ પ્રચારકો કામ કરે છે. આ પેઇડ પ્રચારકો પોતાનો ખર્ચ કાઢવા માટે રોજના રૂ.૩૦૦થી ૫૦૦ની રકમ મેળવીને ચૂંટણીનું કામ કરે છે. જેમાં તેઓ સતત નેતાઓની સભામાં ખડેપગે હાજર રહે છે.

કાર્યકરોની ખોટ પૂરવા માટે ઉમેદવારો પોતાના પેઇડ પ્રચારકોની સેવા લઈ રહ્યા છે. ચૂંટણીમાં ફોર્મ ભર્યા પછી શહેર કે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જુદા જુદા ભાવ બોલાય છે. ચૂંટણીમાં પ્રચાર અને જાહેર સભાના આયોજન માટે ખાસ ઈવેન્‍ટ એજન્‍સીઓ પણ જોતરાઇ છે.

ચૂંટણી પ્રચારમાં જનસભામાં હાજર રહેવા, ઝંડા લઇને ફરવું, સભામાં સ્‍ટેજની કામગીરી કરવી સહિતની કામગીરીમાં પેઈડ પ્રચારકો પગાર બાકી રાખતા નથી. તેઓ ઉમેદવારો પાસેથી રોજિંદા વસૂલાત કરતા હોવાનું જાણવા મળેલ છે. શહેરની અમુક બેઠકો ઉપર ત્રિપાંખિયા જંગમાં રસાકસી જામી છે. ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું શક્‍તિ પ્રદર્શન કરવા, જીત મેળવવા મરણિયો પ્રયાસ કરીને નાણાની કોથળી ખુલ્લી મૂકી દીધી છે, જેનો સીધો ફાયદો ઉઠાવવાના મૂડમાં પેઇડ પ્રચારકો મેદાને પડ્‍યા છે.

(10:39 am IST)