Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

કોંગ્રેસના મોડેલે ગુજરાતને તો તબાહ કર્યુઃ દેશ આખાને બરબાદ કર્યુ

મહેસાણામાં પીએમ મોદીની જાહેર સભા

મહેસાણા, તા.૨૩: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્‍યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, દેશનું પહેલું સૂર્યગ્રામ એનું ગૌરવ મહેસાણા જિલ્લાને મળ્‍યું અને મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ થતાની સાથે જ આખી દુનિયામાં મોઢેરા ચમકી ગયું. જોડેપ્રજોડે મહેસાણા જિલ્લો પણ ચમકી ગયો છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, જેના માટે વ્‍યક્‍તિ કરતા પક્ષ મહાન અને પક્ષ કરતા દેશ મહાન, આ અમારા સંસ્‍કાર છે અને આ સંસ્‍કાર લઈને અમે કામ કરીએ છીએ. કોંગ્રેસનું મોડલ હતું, તમે વીજળી માંગો અને તમને ગોળીઓથી વીંધી નાખતા હતા, કોંગ્રેસના રાજની અંદર લોકો વીજળીના કનેક્‍શન માંગે એમાં પણ ભ્રષ્ટાચાર અને કનેક્‍શન મળે કે ના મળે એની ગેરંટી નહીં. આપણે ગુજરાતની અંદર ૨૦ લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્‍યા. વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે, અને ગુજરાતને એટલી ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્‍વી બનાવ્‍યું છે.

કોંગ્રેસનું મોડેલ એટલે અરબોપ્રખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડેલની એક જ ઓળખાણ ભાઇ- ભત્રીજાવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ. કોંગ્રેસની ઓળખ એટલે વોટબેંક પોલિટિક્‍સ. આ જ કોંગ્રેસની ઓળખ. કોંગ્રેસના આ મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કરી દીધું છે.

તેમણે કહ્યું કે, આ નરેન્‍દ્રભાઇ, ભૂપેન્‍દ્રભાઇની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. ૧૪૦૦૦ કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. આજે ગુજરાતની અંદર ૧૨ લાખ બહેનો પશુપાલન સાથે જોડાયેલી છે અને એ બહેનોના સશક્‍તિકરણ માટે આપડે નક્કી કર્યું હતું કે, ડેરીમાંથી જે બિલ ચૂકવાશે એ પૈસા સીધા બહેનોના ખાતામાં જશે.

મહેસાણામાં આજે ૧૧ જેટલી ડિગ્રી એન્‍જિનીયરીંગ કોલેજો છે અને ૧૨ જેટલી ડિપ્‍લોમા એન્‍જિનીયરીંગ કોલેજો છે. આજે મારા ઘરે આવ્‍યો છું ત્‍યારે, મારા ગામમાં આવ્‍યો છું ત્‍યારે, મારા પરિવારજનો વચ્‍ચે આવ્‍યો છું ત્‍યારે, મારી આપને એક જ વિનંતી છે તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે, જૂના બધા જ રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન થાય.

(3:54 pm IST)