Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વડોદરામાં 12 વર્ષની બાળકીની હોજરીમાંથી વાળના ગુચ્છાની પત્થર જેવી સખત ગાંઠ કાઢીને તકલીફોમાંથી મુક્તિ અપાવી 

સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગે એક ઉમદા કાર્ય કર્યું: વાળ ખાવાની આદતને લીધે બાર વર્ષની બાળકીની હોજરીમાં વાળની ગાંઠ બંધાઈ ગઈ

વડોદરા : સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગે એક ઉમદા કાર્ય કર્યું છે.શહેરના કિશનવાડી વિસ્તારના એક પરિવારની બાર વર્ષની બાળકીની હોજરીમાંથી વાળના ગુચ્છાની પત્થર જેવી સખત ગાંઠ કાઢીને એને તબીબી તકલીફોમાંથી મુક્તિ અપાવી છે. સર્જરી વિભાગ દ્વારા તેના વડા ડો.દિલીપ ચોકસીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન આ પ્રકારની વિવિધ સર્જરી કરી,જરૂરિયાતમંદ દર્દીઓને રાહત આપવામાં આવે છે.

સર્જરી વિભાગના સિનિયર સર્જન અને સહ પ્રાધ્યાપક ડો.ડી.કે.શાહનું અનુમાન છે કે આ બાળકી લાંબા સમયથી વાળ ખાતી હોવી જોઈએ કારણ કે તેના લીધે બંધાયેલી 80 સેમીની ગાંઠ આખી હોજરીમાં ફેલાઈને આંતરડા સુધી પહોંચી ગઈ હતી. અને તેના કુટુંબીજનો ને,બાળકી ચોક અને માટી ખાય છે, પણ વાળ ખાય છે એવી ખબર જ ન હતી..!! આ ગાંઠને લીધે હોજરીમાંથી ખોરાક આગળ જ વધતો ન હોવાથી બાળકીને ઊલટીઓ થતી હતી.

બાળકીની તકલીફો જોઈને સર્જરી વિભાગ દ્વારા ચોકસાઈ માટે એન્ડોસ્કોપી કરવામાં આવી જેમાં હોજરીમાં વાળની ગાંઠ જણાતાં તકેદારીના ભાગરૂપે સત્વરે સર્જરી કરવામાં આવી જેનું સારું પરિણામ મળ્યું છે.

આ બાળકીની સારવારમાં સયાજી હોસ્પિટલના સાઈકીએટ્રી વિભાગે પણ બાળકી અને પરિવારજનોનું જરૂરી કાઉન્સિલિંગ દ્વારા સહયોગ આપ્યો છે. આમ તો આ બાળકીને કોઈ મનો ચિકિત્સકિય સમસ્યા ન હતી એવી જાણકારી આપતાં ડો.રાકેશ ગાંધીએ જણાવ્યું કે તેમ છતાં,વાળ જેવી અખાદ્ય વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા - ઇમ્પલ્સ ના નિયંત્રણમાં ઉપયોગી થોડીક દવાઓ અમે આપી અને પરિવારને બાળકોને આ પ્રકારની આદતો ન પડે એ માટે તેમના નિરીક્ષણની સલાહ આપી.ઘણીવાર કેલશ્યમ જેવા તત્વોની ઉણપ ને લીધે બાળકોમાં ચોક, માટી,કચરો,વાળ જેવી અખાદ્ય વસ્તુઓ ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે એવું એમનું કહેવું છે. ડો.ડી.કે.શાહે જણાવ્યું કે તેમના વિભાગમાં બે ત્રણ વર્ષે એકાદવાર આવા કિસ્સા આવતા હોય છે. બાળક નિર્દોષ અને અણજાણ હોય છે.એટલે પરિવારે તેમની આદતોનું નિરીક્ષણ કરી,જ્યાં વિકૃતિ દેખાય ત્યાં સુધરવાની કાળજી લેવી જોઈએ.અન્યથા આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે આ કિસ્સો વાલીઓ માટે આંખ ખોલનારો હોવાની લાગણી વ્યક્ત કરતા,બાળકીની જરૂરી સચોટ સારવાર કરવાની સેવા નિષ્ઠા માટે બંને વિભાગોને હાર્દિક ધન્યવાદ આપ્યા છે.

(7:55 pm IST)