Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પંજાબના સીએમ ભગવંત માનના રોડ શોમાં મોદી-મોદીના નારા લાગ્યા: વિડિઓ વાયરલ

 તાપીના વ્યારામાં રોડ શોમાં મોટી સંખ્યામાં આપ સમર્થકો જોડાયા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ જીતની આશાએ રાજ્યભરમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે. આપના દિગ્ગજ નેતાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ-શો અને જાહેર સભાઓ કરીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો આજે ચૂંટણી પ્રચાર અર્થે તાપીના વ્યારામાં રોડ-શો યોજાયો હતો. પરંતુ આ રોડ-શો દરમિયાન કેટલાંક લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેને પગલે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો તાપીના વ્યારામાં રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આપ સમર્થકો જોડાયા હતા. જોકે આ રોડ શો દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. જે બાદ હવે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં ભગવંત માનની સામે લોકો મોદી-મોદીના નારા લગાવતા નજરે પડે છે.જોકે આ સમયે પણ મોદી-મોદીના નારા લગાવનારા લોકો સામે ભગવંત માન હાથ જોડે છે.

મહત્વનું છે કે આ મામલે ભગવંત માનનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ કે મોદી મોદીના નારા લગાવનારે પ્રોત્સાહન માટે તાળી પાડી કારણ કે એ લોકોના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી જ્યારે આપના કોઈ નેતા સામે મોદી-મોદીના નારા લાગ્યા હોય. આ પહેલા પણ અનેક વખત આપના નેતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન વગેરે સામે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા છે. એટલું જ નહીં થોડા સમય પહેલા AIMIMના સુપ્રિમો અસદુદ્દીન ઔવેસીની સભામાં પણ મોદી-મોદીના નારા લાગ્યા હતા.

(11:33 pm IST)