Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસો,એ ઓમિક્રોનને ફેલાતો અટકવવા કર્યા સૂચનો : મુખ્યમંત્રીને લખ્યો પત્ર

એરપોર્ટ, રેલવે અને રોડ માર્ગ દ્વારા ગુજરાતમાં આવતા મુસાફરોની તપાસમાં ઢીલાપણું દૂર કરો : વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપો : વિદેશ થી આવતા લોકોને ફરજિયાત 7 દિવસ કોરોનટાઇન કરવા જરૂરી

અમદાવાદ : દેશ સહીત ગુજરાત અને અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક કરી દીધી છે. કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે તો તેમાં કોરોના વાયરસના નવા વેરિયંટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. જેને લઈને આરોગ્ય તંત્રની સાથે તબીબોમાં પણ ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધી રહેલા ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગહોમ એસોસિયેશન (આહના) દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો છે.

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગહોમ એસોસિયેશન (આહના) દ્વારા સીએમ પટેલને પત્ર લખીને ઓમિક્રોનનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી ભરવાના પગલાઓનું સૂચન કર્યું છે. આહનાએ પોતાના સુચનોમાં જણાવ્યું છે કે રાજ્ય અને શહેરમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને રોડ માર્ગ દ્વારા ગુજરાતમાં આવતા મુસાફરોની તપાસમાં જે ઢીલાશ દાખવવામાં આવી રહી છે તે બંધ કરી તમામનું કડક ટેસ્ટિંગ કરવામાં આવે

સાથે જ વેક્સિનેશનને લઈને આહનાએ જણાવ્યું છે કે જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તેમને હવાઈ,રેલવે અને બસની ટિકિટ ના આપવા સૂચન કર્યું છે. તો સાથે સાથે સામાન્ય જનતાને ઓમિક્રોનથી બચાવવા લોક જાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચન કર્યું છે.

(10:13 pm IST)