Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

લ્‍યો બોલો... સરકારી હોસ્‍પિટલોમાં સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ ડોકટરો છે જ નહિ

સર્જન હોય કે પછી બાળરોગ નિષ્‍ણાંત હોય કે પછી ગાયનેકોલોજીસ્‍ટ વગેરેની ૯૯ ટકા અછત હોવાનો ખુલાસો : ૧૩૯૨ની જરૂરીયાત સામે ૧૩૭૯ એટલે કે ૯૯ ટકા પોસ્‍ટ ખાલી : માત્ર ૧૩ ભરેલીઃ ગ્રામિણ વિસ્‍તારોમાં કામ કરવા નથી માંગતા નિષ્‍ણાતો

અમદાવાદ, તા.૨૨: એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે ત્‍યારે અન્‍ય એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્‍પિટલોમાં સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબોની જોવા મળી રહી છે. સરકારના ડેટા અનુસાર, ગુજરાતમાં અત્‍યારે સર્જન, બાળરોગોના નિષ્‍ણાંત, ગાયનેકોલોજીસ્‍ટ વગેરે જેવા સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબોની ૯૯ ટકા અછત વર્તાઈ રહી છે.
રાજયના તમામ મોટા રાજયોની સરખામણીમાં આ આંકડો સૌથી મોટો છે. ગુજરાતની અન્‍ય રાજયો સાથે સરખામણી કરવામાં આવે તો, માત્ર મિઝોરમની સ્‍થિતિ ગુજરાત કરતા ખરાબ છે. આ યાદીમાં મિઝોરમ સૌથી નીચે અને તેનાથી ઉપર ગુજરાત છે. રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા દ્વારા રીલિઝ કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં અત્‍યારે ૧૩૯૨ સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબોની જરુર છે અને ૯૯ ટકા તબીબોની ભરતી હજી બાકી છે. જયારે મિઝોરમની વાત કરીએ તો અહીં ૩૬ સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબોની જરુર છે, અને ૧૦૦ ટકા ભરતી બાકી છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના હિમાંશુ કૌશિકનો અહેવાલ જણાવે છે.
ગુજરાતની સરખામણીમાં અન્‍ય રાજયોની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં ૬૪ ટકા, મધ્‍ય પ્રદેશમાં ૯૬ ટકા, રાજસ્‍થાનમાં ૮૦ ટકા, બિહારમાં ૪૬ ટકા, ઉત્તર પ્રદેશમાં ૭૧ ટકા, પશ્ચિમ બંગાળમાં ૫૪ ટકા તબીબોની અછત જોવા મળી રહી છે. ડેટા અનુસાર ગુજરાતમાં ૧૩૯૨ સર્જન, ફિઝિશિયન, બાળરોગના નિષ્‍ણાંત, ગાયનેકોલોજીસ્‍ટ વગેરેની જરુર છે જેની સામે માત્ર ૧૩ પોસ્‍ટ ભરાયેલી છે. પ્રાથમિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રોમાં તબીબોની નિમણુકની વાત કરવામાં આવે તો, રાજય સરકારે ૧૮૬૯ પોસ્‍ટ માટે પરવાનગી આપી છે, જેમાંથી ૧૪૯૦ ભરાઈ ગઈ છે.
એક ઉચ્‍ચ સ્‍વાસ્‍થ્‍ય અધિકારી જણાવે છે કે, રાજય સરકારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેમને સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબો નથી મળી રહ્યા. પૂર્વ સ્‍વાસ્‍થ્‍ય મંત્રી નીતિન પટેલે સ્‍પષ્ટપણે જણાવ્‍યુ હતું કે, દ્યણાં લોકો સરકારી ક્ષેત્રમાં અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામ કરવા નથી માંગતા. આટલુ જ નહીં, તબીબો માટે પ્રસ્‍તાવિત મહેનતાણામાં પણ બદલાવ લાવવાની જરુર છે. સરકારી હોસ્‍પિટલમાં કામ ન કરવા પાછળનું તે પણ એક કારણ હોઈ શકે છે.
આ ક્ષેત્ર સાથે સંકળાયેલ અન્‍ય એક અધિકારી જણાવે છે કે, એવું જોવા મળી રહ્યું છે કે બે અથવા ત્રણ સુપર સ્‍પેશિયાલિટી તબીબો ભેગા મળીને પોતાની હોસ્‍પિટલ ઉભી કરે છે, અને પ્રમાણમાં તેમને ત્‍યાં વધારે કમાણી થતી હોય છે. સરકારે સુપર-સ્‍પેશિયાલિસ્‍ટ તબીબોની પાર્ટ-ટાઈમ ભરતી કરવાની શરુઆત પણ કરી હતી, પરંતુ તેમ છતાં તબીબોને આકર્ષવામાં નિષ્‍ફળતા સાબિત થઈ હતી.
સૌરાષ્ટ્રમાં સિવિલ હોસ્‍પિટલના સુપ્રીટેન્‍ડન્‍ટ જણાવે છે કે, હોસ્‍પિટલમાં જયારે આ પ્રકારે તબીબોની અછત વર્તાઈ રહી છે અને ખાસકરીને વાત જયારે ગાયનેકોલોજીસ્‍ટની આવે છે, હોસ્‍પિટલ દ્વારા એક કમિટી તૈયાર કરવામાં આવી છે જે ચોક્કસ કિંમત આપીને સુપર સ્‍પેશિયાલિસ્‍ટની સેવા હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ કરાવે છે. ઉદાહરણ તરીકે, રોગી કલ્‍યાણ સમિતી, જેની આગેવાની કલેક્‍ટર્સ દ્વારા કરવામાં આવે છે. કોઈ ડોક્‍ટર ફુલ-ટાઈમ જોડાવવા રાજી નથી થતા, માટે મોટાભાગની હોસ્‍પિટલોમાં આ પ્રકારે કામ ચાલી રહ્યું છે. વધુમાં, સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબો શહેરી વિસ્‍તારોમાં કામ કરવાનું પસંદ કરે છે, પરંતુ તેઓ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જવા નથી માંગતા.

 

(10:53 am IST)