Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાણંદમાં ટાટાના નેનો પ્લાન્ટમાં વર્ષ 2020માં એકપણ નેનોનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી

2019માં 301 નેનો કારનું ઉત્પાદન થયું હતું: વિધાનસભામાં પ્રશ્ર્નના જવાબમાં ખુલાસો

અમદાવાદ : ગુજરાત સરકારે  વિધાનસભામાં જણાવ્યું હતું કે અમદાવાદના સાણંદ ખાતે ટાટાના નેનો પ્લાન્ટમાં વર્ષ 2020માં એકપણ નેનોનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી.

કૉંગ્રેસના ધારાસભ્યોએ છેલ્લાં બે વર્ષમાં કેટલી કારનું ઉત્પાદન કર્યું છે તેનો જવાબ આપતા કહ્યું છે કે 2019માં 301 નેનો કારનું ઉત્પાદન થયું હતું. જ્યારે 2020માં એકપણ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સનો આ પ્લાન્ટ નેનો સહિતની 2.50 લાખ કાર ચાલુ વર્ષે ઉત્પાદન કરવા સક્ષમ છે.

વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે નેનો કારનું વેચાણ બીએસ-6માં તબદીલ ન થઈ શકવાના કારણે અને તેના ઉત્પાદનમાં વૈધાનિક જોગવાઈ પૂર્ણ ન થઈ શકવાના કારણે ઉત્પાદન ઓછું થયેલ છે.

સરકારે ગુજરાત વિધાનસભામાં વધુમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ પ્રા.લી.ને રાજ્ય સરકારે 2009ના ઠરાવ અનુસાર 0.1 ટકાના સાદા વ્યાજે વીસ વર્ષ સુધી લોન આપવાનું નક્કી કર્યું હતું. સરકારે ટાટા મોટર્સ પ્રા. લી.ને હાલ સુધી ભરેલા વેરા સામે રૂપિયા 587.08 કરોડની લોન આપી છે.

(11:40 am IST)