Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કોરોના કાળમાં અદાલતો દ્વારા 1.86 લાખથી વધુ કેસોનો નિકાલ કરાયો :પ્રદીપસિંહ જાડેજા

છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયની અદાલતોમાં કુલ 26,39,713 કેસોનો નિકાલ થયો

અમદાવાદ : રાજ્યના કાયદા રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં જે રીતે વિવિધ કાયદાઓ હેઠળ ગુજરાતના લગભગ તમામ તાલુકાઓમાં અને પ્રત્યેક જિલ્લામાં કોર્ટની સ્થાપના કરી છે. તેનાથી રોકાણકારો અને આદ્યોગિક સાહસિકોને આદ્યોગિક મામલે થતી તકરારોનો વહેલી તકે નિકાલ મળી રહે તે પ્રકારનું વાતાવરણ રાજયમાં ઊભું થયું છે

વિધાનસભામાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કાયદા રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આગામી નાણાંકીય વર્ષ માટે કાયદા વિભાગ માટે 1,698 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વર્ષ 2003-04માં આ રકમ રૂપિયા 140.19 કરોડની હતી. તેમાં આશરે 1,213 ટકાનો જંગી વધારો આગામી નાણાંકીય વર્ષ માટે કરવામાં આવ્યો છે.

તેમણે ક્હ્યું કે, 24 માર્ચ 2020થી 31 ડિસેમ્બર 2020 દરમિયાન કોરાના કાળમાં હાઇકોર્ટ દ્વારા 28,683 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે તાબાની અદાલતોમાં 15 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 1,57,937 જેટલાં મળીને કુલ 1,86,620 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ ગુજરાતની તમામ જિલ્લા કોર્ટ અને તાબાની કોર્ટોને સીસીટીવીથી કનેકટ કરવામાં આવી છે. જેના કારણે તાલુકા કક્ષાએ થતી કોર્ટની કાર્યવાહી ડિસ્ટ્રીકટ કોર્ટ તેમ જ હાઇકોર્ટ જોઇ શકે છે. જે અન્વયે સિટી સિવિલ કોર્ટ, આદ્યોગિક અદાલતો, મજુર અદાલતો, મેટ્રો કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટસ તથા તાલુકા કોર્ટ અને સેશન્સ કોર્ટ સહિતની અદાલતોમાં 343 કોર્ટ બિલ્ડીંગ તથા 1345 કોર્ટ રૂમમાં સીસીટીવી મૂકવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. હાઇકોર્ટ દ્વારા ડીજીટલાઇઝેશન તથા સીસીટીવી અંતર્ગત કામગીરી સંદર્ભે કુલ 40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગામી વર્ષ માટે 6 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજયમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશથી લઇને સિવિલ જજ અને જેએમએફસી સુધીના કેડરની કુલ 1092 કોર્ટો અસ્તિત્વમાં છે. સમયની માંગને અનુલક્ષીને અને બદલાતા ગુનાના પ્રકારો અને ગુનો આચરનારાની બદલાતી માનસિકતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તે કાયદા હેઠળના કેસો ઝડપથી ચાલે તે માટે ખાસ કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારની 577 સ્પેશ્યલ કોર્ટ કાર્યરત છે. બીજી તરફ જાન્યુઆરી-2018માં રાજયમાં તાબાની અદાલતમાં કુલ 17,39,502 કેસો પડતર હતા. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયની તાબાની અદાલતોમાં કુલ 26,39,713 કેસોનો નિકાલ થયો છે. સ્પેશ્યલ કોર્ટ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કુલ 7,55,481 કેસોનો ન્યાયીક નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત રાજય એ એવું રાજય છે કે જયાં છેલ્લાં પાંચ વર્ષમાં 19 એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની કોર્ટો, 54 સીનીયર સિવિલ જજની કોર્ટો તથા 26 સિવિલ જજની કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. જેના પરિણામ રુપે આજે ગુજરાતમાં 250 ન્યાયિક તાલુકાઓ પૈકી એક માત્ર જોટાણાને બાદ કરતાં રાજયના તમામ તાલુકાઓ ખાતે જેએમએફસી કોર્ટો કાર્યરત છે.

લોકઅદાલત મારફતે વર્ષ 2016-20ના સમય દરિમયાન 50,961 લોક અદાલત દ્વારા 9,13,275 કેસો ફેસલ કરીને રૂપિયા 9,814.25 કરોડની રકમ એવોર્ડસ તથા વળતર તરીકે ચુકવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં 2016થી 2020 દરમિયાન કુલ 32,261થી વધુ લીગલ લીટરસી કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિસેમ્બર 2020 પ્રમાણે ન્યાયાધીશોના 1521 મંજુર મહેકમ સામે 1158 જગ્યાઓ ભરવામાં આવી છે. તેવી જ રીતે વડી અદાલત તથા તેના તાબાની અદાલતોમાં 14,217ના મંજુર મહેકામ સામે 12,428 જગ્યાઓ ભરવામાં આવી છે. આગામી નાણાંકીય વર્ષમાં 484 જગ્યાઓ ભરવા માટે 11.18 કરોડની જોગવાઇ કરાઇ છે.

(12:13 am IST)