Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ગુજરાતમાં ૫ કરોડમાંથી ૧૨.૨૦ લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે

ચૂંટણીની ઘડાતી ઘડીઓ... : ૧૫મી માર્ચ સુધી અરજી કરી હોય તેમના મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ પૂર્ણ : ચૂંટણીમાં કુલ ૫૦,૯૬૦-BU, ૪૯,૧૪૦-CU અને ૪૯,૧૪૦-VVPATનો ઉપયોગ થશે : ચૂંટણી માટે રાજ્‍યમાં કુલ ૪,૯૭,૬૯,૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે : જેમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ૨,૪૧,૫૦,૬૦૩સ્ત્રી અને ત્રીજી જાતિના ૧,૫૩૪ મતદારોનો સમાવેશ થાય છે

નવી દિલ્‍હી તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો માટેની સામાન્‍ય ચૂંટણી અને વિધાનસભાની ખાલી પડેલી ૫ બેઠકોની પેટાચૂંટણી ૭મી મેના રોજ યોજાશે. આ ચૂંટણી માટે રાજયમાં કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ૨,૪૧,૫૦,૬૦૩ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧,૫૩૪ મતદારોનો સમાવેશ થાય છે. આ આખરી મતદાર યાદીમાં સામેલ ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા ૧૨,૨૦,૪૩૮ મતદારોને પ્રથમ વખત મતદાનની તક મળશે. જયારે ૧૮થી ૨૯ વર્ષની વય જૂથના કુલ ૧,૧૬,૦૬,૧૮૮ યુવા મતદારો મતદાન કરશે. ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારોની કુલ સંખ્‍યા ૪,૧૯,૫૮૪ છે. રાજયમાં ૧૦,૦૩૬ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેનાથી વધુ વયના છે. ૩,૭૫,૬૭૩ મતદારોને દિવ્‍યાંગ મતદાર તરીકે અલગ તારવાયા છે. રાજયમાં મતદાતાની સંખ્‍યા મુજબ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે, જેમાં ૨૨,૨૩,૫૫૦ મતદારો છે, જયારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા ૧૭,૨૩,૩૫૩ મતદારો છે. રાજયમાં કુલ ૨૭,૫૫૫ સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્‍તાર સંબંધિત મતદાનમથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા ૯૦૦ મતદારો નોંધાયા છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

 રાજયના મુખ્‍ય નિર્વાચન અધિકારી પી.ભારતીના કહેવા મુજબ, ચૂંટણીમાં મતદાન માટે ગત ૧૫મી માર્ચ સુધી અરજી કરનાર નાગરિકોને મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ અરજી કરનાર નાગરિકોને EPIC કાર્ડ ઝડપથી પહોંચાડી દેવાશે. જોકે, EPIC કાર્ડ ન મળ્‍યું હોય પણ મતદાર નોંધણીની અરજી સાથે મોબાઈલ નંબર આપેલો હોય તો e-EPIC ડાઉનલોડ કરી શકાય છે અને e-EPICની પ્રિન્‍ટને ઓળખના પુરાવા તરીકે માન્‍ય ગણાશે. મતદારોને મતદાર યાદીમાં પોતાનો ક્રમ, મતદાન મથક, મતદાનની તારીખ અને સમય સહિતની વિગતો મળી રહે તે માટે ચૂંટણી પંચના આમંત્રણ સ્‍વરૂપે બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદાર માહિતી કાપલી લોકોના ઘેર પહોંચાડવામાં આવી રહી છે. મતદાર માહિતી કાપલીની સાથે કુટુંબદીઠ એક વોટર ગાઈડનું વિતરણ કરાશે. વધુમાં પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાર કાપલી તેમજ વોટર ગાઈડનું પણ વિતરણ કરાશે. આ કામગીરી બીજી મે, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી લેવાશે.

આ વખતે સુરતની બેઠક બિનહરીફ જાહેર થયા બાદ હવે લોકસભાની ૨૫ બેઠકો માટેની સામાન્‍ય ચૂંટણી માટે ૨૪૭ પુરષ અને ૧૯ મહિલા ઉમેદવારો સહિત કુલ ૨૬૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જયારે વિધાનસભા પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ ૨૪ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ ખેલાશે. રાજયના તમામ લોકસભા મતવિભાગમાં અને ૫ વિધાનસભા મતવિભાગમાં પેટા ચૂંટણીઓ સંદર્ભે હરીફ ઉમેદવારો-તેઓના પ્રતિનિધિઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલા જનરલ ઓબ્‍ઝર્વરની હાજરીમાં ૨૭મી એપ્રિલ સુધીમાં EVMના બીજા રેન્‍ડમાઇઝેશનની કામગીરી હાથ ધરાશે. ૨૫જ્રાક એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને ૨૭મસ એપ્રિલથી લોકસભા સામાન્‍ય ચૂંટણી માટે EVMના કમિશનિંગની કામગીરી હરીફ ઉમેદવારો-તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં શરૂ કરાશે.

લોકસભાના કુલ ૨૫ મત-વિસ્‍તારોમાં કુલ ૪૯,૧૪૦ મતદાન મથકો ખાતે મતદાન થશે. આ પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્‍તારના ૧,૮૨૦ મતદાન મથકોમાં ૨ BUનો વપરાશ થશે. આમ કુલ ૫૦,૯૬૦-BU, ૪૯,૧૪૦-CU અને ૪૯,૧૪૦-VVPATનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં ૧,૨૮૨ મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ ૧,૨૮૨- BU, ૧,૨૮૨-CU અને ૧,૨૮૨-VVPATનો ઉપયોગ થશે.

૧૧મી એપ્રિલે સુધીમાં Absentee Voters Categoryમાં ૮૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ૧૮,૪૯૦ વરિષ્ઠ મતદારો તેમજ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્‍યાંગતા ધરાવતા ૪,૨૧૧ દિવ્‍યાંગ મતદારો મળી કુલ ૨૨,૭૦૧ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે. ૨૪મીના બુધવારથી હોમ વોટિંગની પ્રક્રિયા શરૂ કરાશે.

(9:53 am IST)