Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

મોડાસા-શામળાજી માર્ગ નજીક મંડપના ગોડાઉનમાં ચોરી કરનાર ચારને પોલીસે રંગેહાથે ઝડપી પાડયા

મોડાસા : મોડાસા-શામળાજી માર્ગે આવેલા નવા માર્કેટયાર્ડમાં આવેલા એક મંડપ ગોડાઉનમાંથી રૂ.૬૯,૫૦૦ નો સર સામાન ચોરાઈ જતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ફરિયાદના પગલે જિલ્લા એલસીબી ટીમે આ તસ્કરીના ગુનામાં નેત્રમના સીસીટીવી ફ્રુટેજની મદદ અને બાતમીના આધારે બાલાસિનોર તાલુકાના ૪ તસ્કરોને ઝડપી પાડી રૂ.૬,૪૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મહિસાગરના બાલાસિનોર પંથકની તસ્કર ગેંગને ઝબ્બે કરી એલસીબી ટીમે આ ગુનોના ભેદ ઉકેલી કાઢ્યો છે. મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા માર્કેટયાર્ડ ખાતે આવેલા સાંઈનાથ મંડપ ડેકોરેશનના એક ગોડાઉનમાં મંડપને લગતો સર સામાન ભરાયો હતો.ગત શુક્રવારની રાત્રે આ ગોડાઉનમાંથી પાર લાઈટ નંગ-૫૦,એલઈડી લાઈટ નંગ-૩૪,ઝુમ્મર નંગ-૫,પાઈપ સીરીઝના રોલ નંગ-૫ મળી કુલ રૂ.૬૯૫૦૦ ના સરસામાનની ચોરી થઈ હતી.આ ઘટનામાં સાંઈનાથ મંડપ ડેકોરેશન (સાંઈ ઈવેન્ટ)ના માલિક મેહુલકુમાર કે.પટેલ(હાલ રહે.સોપાન રેસીડેન્સી,મોડાસા- મૂળ રહે.માંગલ્ય રેસીડેન્સી, ધનસુરા)એ  મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ ચકચારી તસ્કરીની ઘટના બાદ આજ પ્રકારની એમ.ઓ.થી બીજા ગુનાઓ બનવાની શકયતા હોવાથી ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાની શકયતાને લઈ આ તપાસ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર ડી.બી.વાળાને સોંપાઈ હતી. એલસીબી પોસઈ વી.જે.તોમર સહિતની ટીમે તપાસના ભાગરૂપે  ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.અને નેત્રમ શાખાના કમાન્ડ કન્ટ્રોલ રૂમમાં સીસીટીવી ફ્રુટેજની ચકાસણી હાથ ધરી હતી.એલસીબી ટીમે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા બાતમીદારથી બાતમી મેળવતા આ તસ્કરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક અને ઈકો ગાડીની ભાળ મેળવી લીધી હતી. વાહનોના નંબરો ઉપરથી તપાસ બાદ આ ચોરીના ગુનાના ૪ આરોપીઓને ઝડપી પડાતાં આ તસ્કરોએ ગુનાની કબુલાત કરી લીધી હતી.જિલ્લા એલસીબી ટીમે રૂ.૬૯૫૦૦ ની કિંમતના મંડપના સર સામાનની ચોરી પ્રકરણે ઉત્કર્ષ પટેલ, મિતુલકુમાર ઠાકોર, કિરણભાઈ ડાભી અને કમલેશકુમાર પરમાર ની ગેંગને ઝબ્બે કર્યા હતા અને આ તસ્કરો પાસેથી ૩૭ હજારની કિંમતનો ચોરીનો મુદ્દામાલ, બાઈક, ઈકો ગાડી અને ૪ મોબાઈલ સહિત કુલ રૂ.૬,૪૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ટાઉન પોલીસ હવાલે કર્યો હતો.

(7:18 pm IST)