Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સીએમ આકરા મૂડમાં : 4 ક્લાસવન અધિકારી સહિત 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા

લિસ્ટમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ પણ સામેલ: વર્ગ એકના ચાર, વર્ગ બેના 12 અને વર્ગ ત્રણના 19 અધિકારી- કર્મચારી સામે તપાસ શરૂ:ભાવનગર ડમીકાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 અધિકારી કર્મચારી સામે પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ

અમદાવાદ : સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની બુમ વચ્ચે સરકારે ધોકો પછાડ્યો છે, જાણવા મળ્યા મુજબ રાજ્યના 51 સરકારી કર્મચારીઓ સામે એસીબીને તપાસના આદેશ થાય છે. આ લિસ્ટમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ પણ સામેલ છે. સરકારે ઝીરો ટોલરેન્સ નીતિ અનુસંધાને કરેલી કાર્યવાહીથી સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારે તમામ વિભાગોમાં તપાસ કરી એક અલગ લિસ્ટ બનાવ્યું હતુ. જેમાં સરકારી અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકતો હોવાનું સાબિત થયું છે. હવે એસીબી આ તમામ અધિકારીઓ સામે તપાસ કરશે

  ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ક્લાસ વનના ચાર અધિકારી સહિત કુલ 51 અધિકારી અને કર્મચારીઓ સામે લાંચ-રુશ્વત વિરોધી ખાતા દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે કેસ હેઠળ વર્ગ એકના ચાર, વર્ગ બેના 12 અને વર્ગ ત્રણના 19 અધિકારી- કર્મચારી સામે તપાસ શરૂ કરાઈ છે. ભાવનગર ડમીકાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 અધિકારી કર્મચારી સામે પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. .

   સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કાર્યરત છે. આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકાર તરફથી બ્યુરોને આધુનિકીકરણના તમામ સંશાધનો પુરા પાડવામાં આવી રહ્યાં છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તે સારૂ બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અને તેઓએ ભ્રષ્ટાચારથી વસાવેલ મિલકતો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

(7:53 pm IST)